ચીનના શિનજિઆંગ પ્રાંતમાં મોટા પાયે થઈ રહેલા માનવ અધિકારના દમન અંગે ભારતે પ્રથમવાર સ્પષ્ટ પ્રતિક્રિયા આપી પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે આ સ્વાયત્ત પ્રાંતના લોકોને અધિકારોનું સન્માન થવું જોઈએ અને તેમને તેની બાંયધરી મળવી જોઈએ. ચીનના શિનજિઆંગમાં માનવ અધિકારની ગંભીર સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં એક દિવસ અગાઉ યોજાયેલા મતદાનથી ભારતે અળગા રહેવાનો નિર્ણય કર્યાના બીજા દિવસે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ નિવેદન આપ્યું હતું. મતદાનથી અળગા રહેવાના નિર્ણય અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ નિર્ણય દેશ-આધારિત ઠરાવો પર મત નહીં આપવાની લાંબા સમયથી ચાલતી પ્રથાને અનુરૂપ છે. શિનજિયાંગ ઉઇગર સ્વાયત્ત ક્ષેત્રના લોકોના માનવાધિકારોનું સન્માન થવું જોઈએ અને તેની ખાતરી આપવી જોઈએ. બાગચીએ જણાવ્યું હતું કે અમને આશા છે કે સંબંધિત પક્ષ પરિસ્થિતિને ઉદ્દેશ્યથી અને યોગ્ય રીતે સંબોધિત કરશે.
પૂર્વી લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે આ ટિપ્પણી ઘણી મહત્વની મનાઈ રહી છે. બાગચીએ જણાવ્યું હતું કે ભારત તમામ માનવાધિકારોનું સમર્થન કરવા માટે કટિબદ્ધ છે. કોઈ પણ દેશ આધારિત મતદાન ક્યારેય સહાયરૂપ નહીં થતાં હોવાની ભારતની લાંબાગાળાની નીતિને અનુરૂપ મતદાન પ્રક્રિયાથી અળગા રહેવાનો નિર્ણય કરાયો હતો. ભારત આવા મુદ્દાઓના ઉકેલ માટે વાતચીતની તરફેણ કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.