જુના સચિવાલયમાં ગટરો ઉભરાતાં કર્મચારીઓ ગંદકીમાં બેસવા મજબુર

0
458

શહેરના સેક્ટર-૧૦માં આવેલાં જુના સચિવાલયમાં છેલ્લા બે મહિનાથી ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે. જેના પગલે કચેરીઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓની સ્થિતિ નર્કાગાર બની જવા પામી છે. બ્લોક નં.૪ની પાછળના વિસ્તારમાં ઉભરાતી ગટરના દુર્ગંધ યુક્ત પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. જે અંગે સ્થાનિક સુવિધા કચેરીમાં લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં તે અંગે કોઇ કામગીરી નહીં કરાતાં કર્મચારીઓને ગંદા પાણીમાંથી અવર જવર કરવાની નોબત આવી છે.

રાજ્ય સરકારનો જ્યાંથી વહિવટ ચાલી રહ્યો છે ત્યાં આગળ જ ફરજ બજાવતાં કર્મચારીઓ માટે જરૃરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવતાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા સફાઇ અભિયાનના નામે તાયફા કરાય છે પરંતુ સરકારી કચેરીઓ ગંદકીમાં ગરકાવ થયેલી હોય તે પ્રકારે જુના સચિવાલયમાં બ્લોક નં.૪ની પાસે છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના અને લીકેજ પાણીની લાઇનનું સમારકામ કરાતું ન હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે. ગટરના ઉભરાતાં ગંદા પાણી બ્લોક નં.૪ની પાછળ સતત વહેતાં હોવાથી ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. ગૌણ સેવા મંડળ તથા સમાજ કલ્યાણ અને કેન્દ્રીય ભડારની કચેરીઓની પાછળ જ આ પ્રકારે ગંદુ પાણી વહેતું હોવાથી કર્મચારીઓને દુર્ગંધ યુક્ત વાતાવરણમાં ફરજ બજાવવાની નોબત આવી છે. ગંદા પાણીનો ભરાવો થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી કર્મચારીઓને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ કચેરીઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓની હાલત ગંદા પાણીના કારણે નર્કાગાર બની ગઇ છે. જે અંગે સ્થાનિક સુવિધા કચેરીમાં લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં સામાન્ય કામગીરી કરવામાં આળસ દાખવવામાં આવતી હોય તે પ્રકારે સમારકામ પણ નહીં કરાતાં દુર્ગંધયુક્ત પાણી કર્મચારીઓ માટે મુશીબત બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here