આજની મૅચમાં કૅન વિલિયમસનની ગેરહાજરીમાં ન્યુ ઝીલૅન્ડની ટીમને ટોમ લૅધમ લીડ કરવાનો છે. મૅચ પહેલાં પોતાની સ્ટ્રૅટેજી અને ગેમ વિશે લૅથમે વાત કરી હતી અને કહ્યું હતું કે તેની ટીમ નવા પ્લેયરો સાથે નવી સ્ટ્રૅટેજી લઈને મેદાનમાં ઊતરશે. આ વિશે વાત કરતાં લૅધમે કહ્યું કે ‘અમારા માટે કૅન અને ઇન્ડિયા માટે રોહિત શર્માની ગેરહાજરી ઘણી મોટી ખોટ છે. તેમ છતાં, મારું માનવું છે કે કોઈ એકની ગેરહાજરી બીજા માટે તકનું કામ કરતી હોય છે. બન્ને ટીમ માટે આ વાત લાગુ પડે છે. હા, ટી૨૦માં જે પ્રમાણે અમારો વાઇટ વૉશ થયો એ ઘણું દુ:ખદ છે, પણ વન-ડેમાં અમે એક નવી ટીમ લઈને ઊતરવાના છીએ. આ ટીમના પ્લેયરો ટી૨૦માં નહોતા રમ્યા એટલે વન-ડેમાં નવી સ્ટ્રૅટેજી, નવી ચૅલેન્જ લઈને અમે મેદાનમાં ઊતરીશું અને જીતવાનો દૌર શરૂ કરીશું. જીતવાની આદત બની જશે. અમારા પ્લેયરોએ ઘણી વાર બેસીને વર્લ્ડ કપની મૅચ જોઈ છે અને એ પ્રમાણે તૈયારી કરી છે કેમ કે ક્રિકેટ એક ઉત્કૃષ્ટ ગેમ છે.’