આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 68 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બગીચાઓના આધુનિકરણથી લઈ ફોર-લેન બ્રિજ ગાંધીનગર વાસીઓની સુવિધામાં વધારો કરશે. સ્પોર્ટસ સંકુલ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતો આધુનિક યોગ હોલ બાળકોથી લઈ સિનિયર સિટીઝનને ખેલખૂદથી લઈ જીવનશૈલી સુધારવામાં મદદરૂપ થશે. ગાંધીનગર મહાપાલિકા દ્વારા સેક્ટર-22માં બે મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ થયું. 7196 ચોરસ મીટર વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે બગીચાનું આધુનિકરણ કરાયું છે. જેની વિશેષતાની વાત કરીએ તો 5100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોક-વે, કસરતના સાધનો, બાળકોના રમકડાં અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની સામે આવેલા આ બગીચાનો લાભ આશરે 75 હજાર લોકોને મળી શકશે.






