‘પૃથ્વીરાજ’માં જો રાજા પૃથ્વીરાજ ચૌહાણને ગુર્જરના રાજા તરીકે દેખાડવામાં નહીં આવે તો ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવવાની ધમકી ગુર્જર સમાજે આપી છે. બે દિવસ અગાઉ ગુર્જર સમાજે અજમેરમાં દેખાવ કર્યો હતો. તેમને પૃથ્વીરાજ ચૌહાણને રાજપૂત તરીકે ઓળખાવવામાં વાંધો છે. આ સમાજનો દાવો છે કે પૃથ્વીરાજ ગુર્જર સમાજના હતા, તેઓ રાજપૂત નહોતા. જોકે રાજપૂત સમાજના કેટલાક આગેવાનોએ તેમના આ દાવાને નકાર આપતાં જણાવ્યું છે કે ગુર્જર અગાઉ ‘ગોચર’ હતા અને એમાંથી તેઓ વટલાઈને ગુજ્જર અને બાદમાં ગુર્જર બની ગયા હતા. ખરા અર્થમાં તો તેઓ ગુજરાતમાંથી આવ્યા હતા અને એથી તેમને આ નામ મળ્યું હતું. આ વાત શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા વિજેન્દ્ર સિંહ શેખાવતે કહી હતી. ગુર્જર સમાજના નેતા હિમ્મત સિંહે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને ચાંદ બરદાઈના પુસ્તક ‘પૃથ્વીરાજ રાસો’ પરથી બનાવવામાં આવી છે. રિસર્ચ કરનારાઓનું માનવું છે કે ચાંદ બરદાઈએ ૪૦૦ વર્ષ પહેલાં આ ગ્રંથ લખ્યો હતો. ૧૬મી સદીમાં લખાયેલો આ ગ્રંથ કાલ્પનિક છે. ચાંદ બરદાઈએ એને પ્રિંગલ ભાષામાં લખ્યો હતો, જેમાં રાજસ્થાની ભાષાનું મિશ્રણ હતું. પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે શાસનમાં આવ્યા ત્યારે પ્રિંગલ નહીં, પરંતુ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો હતો. આ એક ઐતિહાસિક સાબિતી છે કે ૧૩મી સદીમાં રાજપૂતોનું અસ્તિત્વ નહોતું. એથી એ પુરવાર થાય છે કે પૃથ્વીરાજ ગુર્જર હતા ન કે રાજપૂત.’