પુનર્જન્મને લઈને ઘણી માન્યતા છે. કોઈ વ્યક્તિ એમાં વિશ્વાસ કરે છે અને ઘણા નથી કરતા. આ વિશે બૉલીવુડે ઘણી ક્લાસિક ફિલ્મો બનાવી છે જેમાં ‘કર્ઝ’ અને ‘કરણ અર્જુન’ જેવી ફિલ્મોનો સમાવેશ છે. જોકે આ વિષય પર ગઈ કાલે રિલીઝ થયેલી કૉમેડી ફિલ્મ ‘હાઉસફુલ 4’ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં હાલનો સમય અને ૬૦૦ વર્ષ પહેલાંની વાત કરવામાં આવી છે. ‘હાઉસફુલ’ સિરીઝની આ ચોથી ફિલ્મ છે.
પુનર્જન્મની સ્ટોરી
ફિલ્મની શરૂઆત અક્ષયકુમારથી થાય છે જે સપનું જોઈ રહ્યો છે. સપનામાં તે પોતાને રાજકુમાર બાલાદેવ સિંહના રૂપમાં જુએ છે. આ સપનું તૂટતાંની સાથે જ તે રિયલિટીમાં આવી જાય છે. આ સમય ૨૦૧૯નો હોય છે, જેમાં તે હૅરીનું પાત્ર ભજવી રહ્યો છે. હૅરીને શૉર્ટ ટર્મ મેમરી-લૉસની બીમારી હોય છે. કોઈ પણ જોરમાં અવાજ થાય ત્યારે તે શું કરી રહ્યો છે એ ભૂલી જાય છે. હૅરી, રૉય (રિતેશ દેશમુખ) અને મૅક્સ (બૉબી દેઓલ) ભાઈ હોય છે. તેમને માથે ડૉન માઇકલનું દેવું હોય છે અને એ ભરપાઈ કરવા માટે તેઓ ધનવાન છોકરીઓ ક્રિતી (ક્રિતી સૅનન), પૂજા (પૂજા હેગડે) અને નેહા (ક્રિતી ખરબંદા)ને પ્રેમમાં ફસાવીને તેમની સાથે લગ્ન કરવાનું ષડ્યંત્ર રચે છે. જોકે આ સ્ટોરીલાઇન અગાઉની ‘હાઉસફુલ’માં પણ જોવા મળી હતી. આ સ્ટોરીમાં ટ્વિસ્ટ એ છે કે તેઓ જ્યારે લગ્ન કરવાનાં હોય ત્યારે અક્ષયકુમારને ખબર પડે છે કે તે બાલા છે, પરંતુ તેઓ જેમની સાથે લગ્ન કરી રહ્યા છે તે અગાઉના જનમમાં તેમની ભાભી હતી. ૧૪૧૯ના સમયમાં આ તમામનું પાત્ર બાલા, બાંગડુ મહારાજ (રિતેશ), ધરમપુત્ર (બૉબી), રાજકુમારી મધુ (ક્રિતી સૅનન), રાજકુમારી માલા (પૂજા) અને રાજકુમારી મીના (ક્રિતી ખરબંદા)નું છે. અક્ષયકુમાર કેવી રીતે આ તમામને ભૂતકાળની સ્ટોરી યાદ કરાવે છે એ ફિલ્મની સ્ટોરી છે.
ડિરેક્શન અને સ્ક્રીનપ્લે
ફિલ્મમાં ડિરેક્ટર તરીકે ફરહાદ શામજીનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ મોટા ભાગની ફિલ્મ સાજિદ ખાને ડિરેક્ટ કરી છે. ફિલ્મ જોઈને ખ્યાલ આવી જાય છે કે આ સાજિદ ખાનની સ્ટાઇલ છે. આ સાથે જ ફરહાદે પણ ઘણાં દૃશ્યો ડિરેક્ટ કર્યાં છે. જોકે બન્નેના ડિરેક્શનમાં ખૂબ પ્રૉબ્લેમ છે. તેમણે દરેક દૃશ્યમાં કૉમેડીનો સમાવેશ કરવાની ભરપૂર કોશિશ કરી છે. જોકે તેઓ આ ફિલ્મમાં કોઈ નવીનતા દેખાડી નથી શક્યા. ‘હાઉસફુલ’ સિરીઝ જેમને પસંદ પડી હોય તેમને આ ફિલ્મમાં કંટાળો આવી શકે છે, કારણ કે એમાં કોઈ નવીનતા નથી. ફિલ્મના ડિરેક્શનની સાથે સ્ક્રીનપ્લેમાં પણ ઘણી ખામી છે. જે દૃશ્યમાં કૉમેડી ડાયલૉગ ન હોય ત્યાં એક્સપ્રેશન અથવા તો શરીર દ્વારા કૉમેડી ક્રીએટ કરવામાં આવી છે. આ બન્ને ન હોય ત્યારે ૧૪૧૯નો સમય દેખાડવામાં આવી રહ્યો હોય છે. ફિલ્મનો ઇન્ટરવલ પહેલાંના પાર્ટમાં સંપૂર્ણ ૧૪૧૯નો સમય દેખાડવામાં આવ્યો છે. આ સમય ખૂબ લાંબો ખેંચવામાં આવ્યો છે. કેટલાંક દૃશ્ય પણ વગરકામના ચ્યુઇંગ ગમની જેમ ખેંચવામાં આવ્યાં છે. ખાસ કરીને અક્ષય જ્યારે અન્ય ઍક્ટર્સને ભૂતકાળ વિશે યાદ કરાવવાની કોશિશ કરે છે એ મોટા ભાગનાં દૃશ્યને ખેંચવામાં આવ્યાં છે. આ જ કારણ છે કે ફિલ્મ બે કલાક અને બાવીસ મિનિટની બની છે. ફિલ્મનું બજેટ ૭૫ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવ્યું છે એ ફિલ્મમાં જોઈ શકાય છે. મોટા ભાગની ફિલ્મ પૅલેસમાં શૂટ કરવામાં આવી છે, પરંતુ પુનર્જન્મનાં દૃશ્યો માટે ભરપૂર વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે ફિલ્મને ગ્રૅન્ડ સ્કેલ પર બનાવવામાં આવી છે એ દેખાડવા માટે પૅલેસના વારંવાર એકસરખા શૉટ દેખાડવામાં આવે છે તેમ જ એક ધોધને પણ બેથી ત્રણ વાર દેખાડવામાં આવ્યો છે. આ નકામાં દૃશ્યો હટાવીને ફિલ્મને ટૂંકી કરી શકાઈ હોત.
ઍક્ટિંગ
‘હાઉસફુલ’ની અગાઉની સિરીઝમાં અક્ષયકુમાર અને રિતેશ દેશમુખનો સ્ક્રીન-ટાઇમ સરખો હતો. જોકે આ પાર્ટમાં ફિલ્મનો ભાર અક્ષયકુમાર પર છે. સૌથી વધુ સ્ક્રીન પર તે જ જોવા મળે છે. અક્ષયકુમારની કૉમેડી અને ચહેરાના હાવભાવ ઇન્ટરેસ્ટિંગ છે. તે ડાયલૉગ ન બોલી રહ્યો હોય તો પણ તેની બૉડી-લૅન્ગ્વેજ દ્વારા દર્શકોને હસાવવા માટે સક્ષમ છે. જોકે રિતેશને તેની ઍક્ટિંગની ક્ષમતા દેખાડવાનો પૂરેપૂરો ચાન્સ નથી મળ્યો. ‘અપના પૈસા મની મની’માં પણ તે મહિલાનું પાત્ર ભજવી ચૂક્યો છે એથી તેને આવા પાત્રમાં જોઈને કોઈ નવાઈ નથી લાગતી. બૉબી દેઓલે તેનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. ત્રણેય ઍક્ટ્રેસમાં ક્રિતી સૅનનને વધુ સ્ક્રીનટાઇમ મળ્યો છે. જોકે તેના પાત્રને વધુ મહત્ત્વ આપવામાં નથી આવ્યું તેમ જ ક્રિતી ખરબંદા પાસે સારા ડાયલૉગ હોવા છતાં તે સારી રીતે ડિલિવર નથી કરી શકી. આ સાથે જ નવાઝુદ્દીન સિદ્દીકી, રાણા દગુબટ્ટી, રણજિત, જૉની લીવર અને તેમની દીકરી જેમી લીવર, મનોજ પાહવા, શરત કેળકર અને ચંકી પાંડે જેવાં પાત્રોને વેડફી નાખવામાં આવ્યાં છે. કોણ ક્યારે, કેવી રીતે અને શું કામ આવે છે એની પાછળનું લૉજિક તો દૂર, એને સ્વીકારવું થોડું મુશ્કેલ છે.
વનલાઇનર્સે બચાવી શાન
‘હાઉસફુલ ૪’માં જો કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય તો એ છે એનાં વનલાઇનર્સ. આ સાથે જ ફિલ્મમાં પૅરોડી પણ જોવા મળશે. પૅરોડી એટલે કે ઘણી ફિલ્મોની મજાક ઉડાડવામાં આવી છે. ‘બાહુબલી’, નીલ નીતિન મુકેશ, રોશન ફૅમિલી, આલિયા ભટ્ટ, મુકેશ ભટ્ટ સહિત ઘણી ફિલ્મો અને ગીતનો ડાયલૉગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્મમાં શું ઇન્ટરેસ્ટિંગ છે એ શોધવા માટે બિલોરી કાચ લઈને બેસવું પડે.
આખરી સલામ
‘હાઉસફુલ’ સિરીઝને જોવા માટે મગજ ઘરે મૂકીને બેસવું પડે છે એ જગજાહેર છે. ઍક્ટર્સનો જમાવડો હોવા છતાં ફિલ્મ એટલી અપીલ નથી કરી શકી.