બચુની બેનપણી : વાર્તા ઓછી-બૅંગકોક દર્શન ભરપૂર અને કૉમેડી પ્રમાણસર..!!

0
649

ફિલ્મની શરૂઆત સિદ્ધાર્થ રાંદેરિયાથી થાય છે. બચુ બાપોધરા (સિદ્ધાર્થ રાંદેરિયા) એક એવું પાત્ર જેને સતત કોઇક ને કોઇક બીમારીથી મરી જવાનો ભય છે અને ખૂબ જ કંજૂસ માણસ છે. આ આખી ફિલ્મમાં બચુ બાપોધરાનો એક માત્ર જીવન મંત્ર છે કે મફતની કોઈ વસ્તુ છોડવી નહીં અને પૈસા કોઈ કાળે ખર્ચવા નહીં.

બચુ બાપોધરાનો બે દીકરા છે એમાંથી મોટો દીકરો પરણેલો છે, વહુ ગર્ભવતી છે. નાનો દીકરો પંજાબી છોકરીને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે પણ બચુલાલ માનવા તૈયાર નથી. બચુલાલને એક બહેન છે ચંદ્રિકા, જે કુંવારી હોવા છતાં બચુલાલના કંજૂસ સ્વભાવને કારણે અલગથી ભાડાંના ઘરમાં રહે છે. બચુલાલ કેટલા મફતખોર છે તે દર્શાવવા માટે ફિલ્મમાં જે દ્રષ્ટાંતો બતાવવામાં આવ્યા છે તે ચોક્કસ રીતે દર્શકો સુધી પહોંચે છે. બૅંગકોક વિશે ગુજરાતીઓની જે માનસિકતા છે તેને કારણે ત્યાં દીકરાને પણ જવા ન દેનારા બચુલાલ પોતે ત્યાં જવા માની જાય છે, ચારધામ જવાનું બહાનું કાઢે છે અને દરેક તૈયારીઓ સાથે ઍરપૉર્ટ પહોંચે છે.

અહીં થાય છે રત્ના પાઠક શાહ એટલે કે સુમન ગૌરી નાગરની એન્ટ્રી. અત્યાર સુધી જે આખી ફિલ્મમાં માત્ર અને માત્ર સિદ્ધાર્થ રાંદેરિયાના ખભે ફિલ્મને આગળ ધપાવવાનો દારોમદાર હતો તે હવે ધીમે ધીમે રત્ના પાઠક શાહ સાથે વહેંચાઈ જાય છે. ફિલ્મની વાર્તા તો મૂળ એ જ છે કે બચુલાલ પોતે પોતાની સગી બહેન માટે પણ પૈસા ન ખર્ચનાર વ્યક્તિ કઈ રીતે કોઈ અજાણી વ્યક્તિના હૉસ્પિટલનો ખર્ચ આપવા માટે પણ તૈયાર થઈ જાય છે. રત્ના પાઠક શાહ એટલે સુમન ગૌરી બચુમાં રહેલો ભય, બૅંગ્કોકની અનેક એડ્વેન્ચરસ એક્ટિવિટી દ્વારા દૂર કરાવે છે, સતત મોતના ડરમાં રહેતા માણસને જીવન સાથે જોડીને મોતનો ભય પણ પમાડવામાં સફળ રહ્યાં છે. પણ ફિલ્મ તમે જોશો તો તમને એવો પ્રશ્ન તો ચોક્કસ થશે કે એવી તો કઈ ઘટના હતી જેને કારણે બચુમાં આ હ્રદયપરિવર્તન આવ્યું.

ફિલ્મમાં પિતા પુત્રના સંબંધોના સીન્સ છે ત્યાં ચાલ જીવી લઈએને કેમ ભૂલી જવાય. ચાલ જીવી લઈએમાં જ્યાં જીવવાનું શીખવતાં બાપનું પાત્ર સિદ્ધાર્થ રાંદેરિયાએ ભજવ્યું હતું તે જ હવે તેમણે જીવતાં શીખવાનું હતું અને તેને માટે દીકરો વિકી એટલે કે દેવર્ષિ આ ફિલ્મમાં સુમન ગૌરીની મદદથી શીખવાડી શક્યો છે.