બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષે નિધન

0
390

બ્રિટનમાં સૌથી વધુ સમય સુધી રાજ કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ગુરુવારે બપોરે 96 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમણે 70 વર્ષ સુધી બ્રિટનનું રાજ સંભાળ્યું હતું. બકિંઘમ પેલેસ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર મહારાણીએ સ્કોટલેન્ડ સ્થિત બાલમોરલ કેસલ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો. રાજા અને ક્વિન કોન્સર્ટ આવતીકાલે લંડન પરત ફરશે. મહારાણીની તબિયત છેલ્લાં કેટલાંક સમયથી સતત લથડી રહી હતી. જેને પરિણામે તબીબો તેમના આરોગ્યનું સતત ધ્યાન રાખી રહ્યાં હતાં. ગત ફેબ્રુઆરી માસમાં તેઓ કોરોનાના સંક્રમણનો પણ ભોગ બન્યાં હતાં. ખરાબ આરોગ્યને કારણે તેમણે પ્રીવી કાઉન્સિલની મીટિંગ પણ રદ્દ કરી હતી. ઉલ્લેખનીય છે કે હજી મંગળવારે જ ક્વિન એલિઝાબેથે બ્રિટનના નવા વડાંપ્રધાન તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા લિઝ ટ્રુસની વડાપ્રધાન પદે નિમણૂક કરી હતી. ક્વિનના નિધનની જાણકારી કેનેડા સહિત વિશ્વના 15 દેશોને અપાઈ હતી. આ 15 દેશો પર ક્વિનનું શાસન હતું.  ક્વિન એલિઝાબેથ દ્વિતિયએ પોતાના જીવનકાળ દરમિયાન બ્રિટનના 15 વડાપ્રધાનોને હોદ્દાના શપથ અપાવ્યાં હતાં, જેમાં વિન્સ્ટન ચર્ચીલથી લઈને તાજેતરમાં વડાંપ્રધાન તરીકે નિમણૂક પામેલા લિઝ ટ્રુસનો સમાવેશ થાય છે. વડાંપ્રધાન લીઝ ટ્રુસે રાણીના નિધન અંગે ભારે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટર પર શોક સંદેશમાં રાજવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.