મહાકુંભમાં આસ્થાની ડૂબકી માટે અમદાવાદ-ગાંધીનગરથી રોજ એસી વોલ્વો પ્રયાગરાજ જશે

0
44

પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકારે 27મી જાન્યુઆરી-2025ના સોમવારથી અમદાવાદ અને ગાંધીનગરથી દરરોજ પ્રયાગરાજ સુધીની AC વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંયુકત રીતે મહાકુંભની યાત્રા સરળ બનાવવા એક પહેલ કરી છે. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસરે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ AC વોલ્વો બસ પ્રયાગરાજ ઉપાડવાનો નિર્ણય લઇ શ્રદ્ધાળુને રાત્રિ-રોકાણ અને બસ મુસાફરી સાથેનું પ્રતિ વ્યક્તિ રૂ. 8100નું ઇકોનોમી પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ગાંધીનગર સરકીટ ખાતેથી ૨૭મીએ સવારે સાત વાગે પ્રયાગરાજ જનારી સૌપ્રથમ બસને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી AC વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. માત્ર રૂ. 8100માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ, 4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ST અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયું છે. આ પેકેજમાં તમામ 3 રાત્રિનું રોકાણ, પ્રયાગરાજમાં ડોરમેટરીમાં રહેવાની વ્યવસ્થા અને બસની આવનજાવનની મુસાફરીનો સમાવેશ થાય છે.

આ આયોજન અંતર્ગત પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ 25મીના શનિવારથી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે. આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોવાથી સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.