યંગસ્ટર્સનાં ટ્રેન્ડને દર્શાવતી નવી ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’નું ટ્રેલર રિલીઝ

0
334

આજકાલ યંગસ્ટર્સમાં વિદેશ જવાનો મોહ કંઈક વધારે પડતો જ વધી ગયો છે. મોટાભાગના યુવા વર્ગને એવું લાગે છે કે, વિદેશ ગયાં સિવાય તેમનો કોઈ ઉદ્ઘાર નથી. ત્યાંનું વર્ક કલ્ચર તેમને એટલું ગમે છે કે ખાલી પૈસા કમાવવાનાં ઉદ્દેશ્યથી ગયેલો યુવા વર્ગ ક્યારે ત્યાંની સિટીઝનશીપ લેવા માટેની હોડમાં લાગી જાય છે તેની ખબર જ નથી રહેતી. ગુજરાતી સિનેમા ઈન્ડસ્ટ્રી આવા જ ટ્રેન્ડ વચ્ચે આપણી ભારતીય સંસ્કૃતિની ભાન કરાવતી એક ફિલ્મ લઈને આવી છે, જેનું નામ છે ‘ચબૂતરો’, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં જોવા મળશે.

આ ફિલ્મનું મુખ્ય પાત્ર રોનક કામદાર નિભાવી રહ્યો છે. જેમાં તે એક એવા જ યુવા વર્ગનાં વિદેશ ટ્રેન્ડને દર્શાવી રહ્યો છે. ફિલ્મમાં તે અમેરિકામાં વર્ક પરમિટ લઈને જાય છે, જ્યાં તેને 5 કલાકની નોકરી, બે દિવસ રજા અને કંપની સ્પોન્સર્ડ પાર્ટી મળે છે. જેને મુકીને તે ભારત આવવા ક્યારેય નથી માંગતો અને અન્ય લોકોને પણ ભારત પાછા નહીં ફરવાની જ સલાહ આપે છે. પરંતુ વચ્ચે કંઈક એવી પરિસ્થિતી આવીને ઉભી રહી જાય છે કે તેને ભારત પાછું ફરવું પડે છે. હવે ફરી ભારત આવીને તે શું કરે છે? કઈ રીતે દેશ અને અમદાવાદને ફરી સ્વીકારે છે કે કેમ? આ બધી વાત તો ફિલ્મ જોઈને જ જાણી શકાશે.