રહેમાનના પત્ની સાયરા બાનુએ પતિ સાથે સેપરેશનની જાહેરાત કરી…

0
83

સમગ્ર વિશ્વમાં દિગ્ગજ સંગીતકાર તરીકે આગવી ઓળખ ઊભી કરનારા એ.આર. રહેમાનના દરેક ગીતમાં તાલ અને સૂરનું ગજબ સાયુજ્ય હોય છે. જો કે રહેમાનનું પોતાનું દામ્પત્ય જીવન બેસુરુ થઈ ગયું છે. રહેમાનના પત્ની સાયરા બાનુએ ભારે હૈયે રહેમાન સાથે તલાક લેવાની જાહેરાત કરી છે. બંને વચ્ચે ઊંડી ખાઈ ઊભી થઈ હોવાથી તલાક બાબતે ફેરવિચારણાની શક્યતા નહીવત છે.

રહેમાનના પત્ની સાયરા બાનુએ પતિ સાથે સેપરેશનની જાહેરાત કરી છે. સાયરાના વકીલે પોતાના અસીલ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે, જેમાં આ કપલ સંમતિથી સેપરેશન માટે તૈયાર હોવાનું કહેવાયું છે. આ સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ, વર્ષોના દામ્પત્ય જીવન બાદ શ્રીમતી સાયરાએ ભારે હૈયે પતિ એ.આર. રહેમાનથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં અતિશય તણાવ આવી ગયા બાદ આ નિર્ણય લેવાયો છે. બંને એકબીજા માટે ઊંડો પ્રેમ ધરાવે છે, પરંતુ તેમની વચ્ચે મતભેદો એટલા વધી ગયા છે કે હવે આ ખાઈ પૂરવાનું અઘરું બન્યું છે. અંતર ઘટાડવા માટે બેમાંથી કોઈ સક્ષમ હોય તેમ હાલના તબક્કે જણાતું નથી. સાયરાએ અતિશય દુઃખ અને વ્યથા સાથે આ નિર્ણય લીધો છે. આવા કપરા સમયે પ્રાઈવસી જળવાય તેવી અપેક્ષા છે.