રાજકોટમાં ૧૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પડ્યો

0
355

સાઇક્લોનિક પ્રેશરને કારણે તીવ્રતા સાથે ઍક્ટિવ થયેલી મૉન્સૂન સિસ્ટમે ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છને હડફેટમાં લીધાં હતાં. એકધારા એક વીકથી સતત પડી રહેલા વરસાદે ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ દર્શાવ્યો હતો, જેમાં રાજકોટ સૌથી અગ્રીમ સ્થાને રહ્યું હતું. ગઈ કાલે રાજકોટમાં માત્ર ૧૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પડ્યો હતો. એની સાથે જુલાઈના ૧૨ દિવસમાં રાજકોટમાં વરસાદનો આંકડો ૨૧ ઇંચને ક્રૉસ કરી ગયો છે. એક જ દિવસમાં પડેલા ૧૩ ઇંચ વરસાદને કારણે ૬૦ ટકા રાજકોટમાં પાણી ભરાયાં હતાં. આગલા દિવસની રેડ અલર્ટ નોટિસને કારણે સ્કૂલ-કૉલેજ બંધ હોવા છતાં ભારે વરસાદે હાલાકીમાં જબરદસ્ત વધારો કર્યો હતો. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગઈ કાલે ૩થી ૬ ઇંચ વરસાદ પડ્યો હતો.
ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રને કનેક્ટ કરતા ૭ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતાં એ હાઇવે બંધ કરવા પડ્યા છે, તો સાથોસાથ ટ્રેન અને ફ્લાઇટ સર્વિસને પણ અસર થઈ છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાક હજી પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
ગઈ કાલે ગુજરાતના ૧૩૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આજે વરસાદની સંભાવના સાથે રાજકોટ, અમરેલી, કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here