રૃપાલના વરદાયિની માતાજીના મંદિરે પલ્લીના મેળા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ…

0
373

ગાંધીનગર નજીક આવેલા રૃપાલના જગવિખ્યાત વરદાયિની માતાજીના મંદિરે પલ્લીના મેળા માટેની તમામ તૈયારીઓ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારથી પલ્લી મેળો યોજાશે અને મોડી રાત્રે ગામના અલગ અલગ ચોરાઓએથી પલ્લી નીકળવાની છે ત્યારે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. એટલું જ નહીં પોલીસની સાથે એસઆરપી જવાનો તૈનાત રહેશે અને સીસીટીવી સર્વેલન્સથી સમગ્ર રૃટનું મોનિટરિંગ કરવામાં આવનાર છે.રાજ્યભરમાં લાખો ભક્તોના આસ્થાના પ્રતિકસમા રૃપાલ વરદાયિની માતાજીની પલ્લી માટેની તૈયારીઓ કરી પૂર્ણ લેવાઈ છે. આજે રાત્રે રૃપાલમાં માતાજીની પલ્લી નીકળશે. ગામના અઢારે સમાજના સાથથી નીકળતી પલ્લીમાં આ વર્ષે બાર લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવી શક્યતાં છે. માતાજીની પલ્લી ૫૨ ૪થી ૫ લાખ કિલો ઘીનો અભિષેક થાય તેવું મનાય છે.પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ શરૃ કરેલી રૃપાલ વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા આજે પણ અકબંધ છે. કોરોનાકાળામાં પણ પલ્લીની પરંપરા જળવાઈ હતી. પલ્લીના મેળામાં ગાંધીનગર સહિત રાજ્યભરમાંથી લાખો ભક્તો દર્શન માટે આવે છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે તૈયારીઓ કરી લેવાઈ છે. અંબાજીમાં નકલી ઘીમાંથી પ્રસાદ બનતો હોવાની બાબત સામે આવતા સમગ્ર રાજ્યમાં નકલી ઘીનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે. જેને પગલે રૃપાલમાં પણ લેભાગુ તત્વો નકલી કે અખાદ્ય ઘી તો નથી વેચતા તે અંગેની તપાસ થશે. જેમાં મેળામાં વપરાનાર ખાદ્ય પદાર્થોની ચકાસણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોને આરોગ્યની સુવિધા માટે આરોગ્ય વિભાગે જરૃરી દવાઓ સાથે પ્રાથમિક સારવાર માટે કેમ્પ પણ ઊભા કરી દીધા છે. બીજી બાજુ લાખોની સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ રૃપાલ અને આસપાસના વિસ્તારમાં સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. એટલું જ નહીં મંદિર અને પલ્લીના રૃટનું સીસીટીવી સર્વેલન્સથી મોનિટરિંગ કરવામાં આવનાર છે. પલ્લી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર આજથી જ ખડેપગે થઈ ગયું છે.