વિપ્રોએ કરી ૪૫૨ ફ્રેશર્સની હકાલપટ્ટી….

0
217

ગૂગલ અને ઍમેઝૉન જેવી ટેક કંપનીઓ દ્વારા અત્યારે છટણીની સીઝન ચાલી રહી છે ત્યારે આઇટી કંપની વિપ્રોએ ૪૫૨ ફ્રેશર્સની હકાલપટ્ટી કરી હતી. આ કંપનીએ એના માટેનું કારણ આપતાં જણાવ્યું હતું કે આ ફ્રેશર્સ ટ્રેઇનિંગ આપવામાં આવ્યા બાદ પણ સતત નબળું પર્ફોર્મન્સ આપતા રહ્યા હતા. આ કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘વિપ્રોમાં અમે પોતાના માટે ઉચ્ચ ધોરણો જાળવી રાખ્યાં છે, જેનો અમને ગર્વ છે. પોતાના માટે નિર્ધારિત આ સ્ટાન્ડર્ડ્સ અનુસાર અમે કંપનીમાં આવનારા તમામ કર્મચારીઓ પાસેથી એવી જ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ તેમના કામમાં ચોક્કસ પ્રકારની નિપૂણતા હાંસલ કરે, જેના માટે અમે તેમને ટ્રેઇનિંગ પણ પૂરી પાડીએ છીએ. ૪૫૨ ફ્રેશર્સે ટ્રેઇનિંગ બાદ પણ વારંવાર અસેસમેન્ટમાં નબળું પર્ફોર્મ કર્યું હોવાના કારણે અમારે તેમને ગુડબાય કહેવું પડ્યું.’ એક રિપોર્ટ અનુસાર કંપનીએ આ ફ્રેશર્સને જણાવ્યું હતું કે કંપનીએ તેમના ટ્રેઇનિંગ માટે ૭૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જે શરત અનુસાર ટેસ્ટમાં ફેલ થવાના કારણે તેમણે ચૂકવવાનો છે. જોકે કંપનીએ આ રકમને માફ કરી દીધી છે.