‘શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર…?’ બહુ પ્રચલિત આ ઊક્તિમાં આજના ધાર્મિક માહોલને જોતાં ફેરફાર કરીને એમ પણ કહી શકાય કે ‘શ્રદ્ધા હોય ત્યાં દંભદેખાડાની શી જરૂર…?’ શ્રદ્ધા એવું પવિત્ર તત્વ છે જે સૌને સત્વતરફ દોરી જાય છે… પરંતુ આજકાલ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિમાં દંભ-દેખાડાની સ્પર્ધા જામી હોય એમ એક જ પોતપોતાના નોખા ઈશ્વરના નામે વાડા જામ્યા છે…!! આ સ્પર્ધા વચ્ચે ઈશ્વર તો ક્યાંય ધકેલાઈ ગયો છે…!! શ્રદ્ધા તો રહી નથી અને સ્પર્ધા જામી છે…ભક્તિને બદલે શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે. કોઈપણ ધાર્મિક પર્વના ઉજવણીના આયોજનો થાય એમાં દેખાદેખી – ચડસાચડસી સ્પષ્ટ તરી આવે છે.મૂર્તિરૂપે વાજતેગાજતે સ્થાપિત કરેલો ઈશ્વર તમાશો જોતા મૂક બેઠો રહે છે… સ્વયં સર્વજ્ઞાતા છે એટલે મારા બનાવેલા મને જ બનાવે છે. એ સુપેરે સમજે-જાણે છે…!!પ્રકૃતિ એટલે ઈશ્વરનું જ પ્રિય સર્જન… છતાં પ્રકૃત્તિને નડવામાં કે નષ્ટ કરવામાં
લોકો પાછા પડતા નથી. પ્લાસ્ટર ઑફ પેરિસની કેમિકલયુક્ત પ્રતિમાથી પ્રકૃત્તિને હાનિ થાય એમ જાણવા છતાં ય સરકારથી લઈ ભાવિકજનો બેફિકરાઈ આચરે છે. પ્લાસ્ટર ઑફ પેરિસની પ્રતિમાઓના ઉત્પાદન -ચાણને રોકવામાં સરકારને કોઈ રસ નથી અને પર્યાવરણ બચાવવાના ઢોલ પીટવામાં કરોડો ખર્ચે છે… તો ભાવિકો પણ કેમિકલયુક્ત પ્રતિમાઓનું નદી-જળાશયોમાં વિસર્જન કરી પર્યાવરણને જાણીબુઝીને નુકસાન કરે છે. એ લોકો પર્વની પવિત્રતા જાળવવાને બદલે પ્રકૃતિના હ્રાસનું પાપ કરે છે.પ્રતિમાઓ ન ઓગળતાં આખરે પ્રતિમાઓ રૂપે રહેલો ઈશ્વર ખંડિત કે ગંદો થઈને લોકોના પગ નીચે કચડાય કાં તો ઠેબે ચઢે છે.ઈશ્વર જેવા ઈશ્વરને કચડીને ઠેબે ચઢાવવાનું કૃત્ય કરવાને બદલે આવી પ્રતિમાઓનું સ્થાપન જ ન કરીએ અને વેંતની માટીની પ્રતિમાને પૂજીએ તો ન ચાલે…?! એમાં ય સમજો નહિ લેશા તો… જય ગણેશા…! (આલેખન : નીતિન પટેલ )