સેક્ટર-17 ખાતે ધારાસભ્ય આવાસો માટે 200 વૃક્ષ કાપવા સામે રોષ…

0
212

શહેરમાં સેક્ટર-17 ખાતે ધારાસભ્યો માટે બની રહેલાં આવાસોમાં 200 જેટલા વૃક્ષો કાપવામાં આવશે. ત્યારે આ મુદ્દે પ્રકૃતિ રક્ષા અભિયાન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રજૂઆત કરાઈ છે કે, વિકાસ થાય તે ખૂબ જ સારી બાબત છે પણ વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢીને વિકાસ થાય તે પણ યોગ્ય લાગતું નથી. આ વિકાસ આવનારી પેઢી માટે વિનાશક સાબિત થઈ રહ્યું છે. આ સાથે શહેરના પ્રકૃતિ પ્રેમીઓની લાગણીને પણ જાણી જોઈને ઠેર પહોંચવામાં આવી રહી છે.

લેખિત રજૂઆતમાં માંગણી કરાઈ છે કે વન વિભાગ દ્વારા વૃક્ષની ઓછી કિંમત આંકવાને બદલે સાચી કિંમત આંકે, વન વિભાગ પાસે પડેલા વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ મશીન વર્ષોથી પડેલ છે, જે દરેક જગ્યાએ ઉપયોગ થાય. ગેરકાયદે વૃક્ષ કાપણી માટે 5 વર્ષની જેલની જોગવાઈ કરવા પણ માંગ ઉઠી છે.

ધારાસભ્ય આવાસ માટે કપાતા વૃક્ષો સામે 10000 વૃક્ષો માટે ધારાસભ્યો સામે આવી પોતાની ગ્રાન્ટમાંતી ફરી ગાંધીનગરને ગ્રીનસિટી બનાવવાની જાહેરાત કરાય તેવી માંગણી પ્રકૃતિ રક્ષા અભિયાન દ્વારા કરાઈ છે. આગામી પેઢીને પ્રાણવાયુ લેવા વલખાં મારવા પડશે તો તેવા વિકાસ કેટલો યોગ્ય લેખાશે તે બાબતને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા માંગ કરાઈ છે. એક તરફ ગ્રીન ગાંધીનગરની વાત થાય છે તો બીજી તરફ વૃક્ષો કપાય છે. જેથી રોષ ફેલાયો છે.