સેક્ટર-22માં મહિલાને બેભાન કરીને 1.75 લાખના દાગીનાની ચોરી…

0
255

ગાંધીનગર શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ઘરે એકલી રહેતી મહિલાઓને નિશાન બનાવતી ટોળકી સક્રિય થઈ છે અને સેક્ટર ૨૨ની સરકારી વસાહતમાં મહિલા ઉપર સ્પ્રે છાંટીને બેભાન કરી ઘરમાંથી ૧.૭૫ લાખના દાગીના ચોરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે સંદર્ભમાં સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.ગાંધીનગર શહેરના સેક્ટર ૨૨માં આવેલા છ ટાઇપના સરકારી વસાહતમાં મહિલા ઉપર સ્પ્રે છાંટીને બેભાન કરી ઘરમાંથી સોનાના દાગીના અને મહિલાએ પહેરેલા દાગીના ચોરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર ૧૬ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા વિભાગમાં ફરજ બજાવતા રાકેશભાઈ નરહરિભાઈ નાયકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ ફરજ ઉપર હાજર હતા તે સમયે તેમના પુત્ર વિશિષ્ટ ફોન કરીને કહ્યું હતું કે, માતા બેભાન થઈ ગયા છે. જેથી તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને બેભાન અવસ્થામાં જ રહેલી પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર શરૃ કર્યા બાદ મહિલાને ભાન આવ્યું હતું અને તેણે કહ્યું હતું કે, ઘરે દરવાજો ખખડતા પુત્ર આવ્યો હોવાનું લાગતા દરવાજો ખોલ્યો હતો. આ દરમિયાન બે મહિલાઓ ઘરમાં ઘૂસી આવી હતી અને સ્પ્રે જેવું છાંટતા તેઓ બેભાન થઈ ગયા હતા. જોકે રાકેશભાઈ તુરંત જ ઘરે પહોંચતા ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં હતો અને ઘરમાંથી સોનાના દાગીના ચોરાયા હતા. એટલું જ નહીં તેમની પત્નીએ પહેરેલા દાગીના પણ આ મહિલાઓ લઈ ગઈ હતી. જેથી ૧.૭૫ લાખના દાગીનાની ચોરી સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.