રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના સૌથી સ્વચ્છ શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર 2021 એનાયત કર્યા હતા. આ યાદીમાં ગુજરાતનું એકમાત્ર શહેર સુરત બીજા ક્રમે રહ્યું છે. સુરત દેશનું બીજું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. જ્યારે આ યાદીમાં સતત પાંચમી વખત મધ્ય પ્રદેશનું ઈન્દોર પ્રથમ સ્થાને રહ્યું છે. આંધ્ર પ્રદેશનું વિજયવાડા આ યાદીમાં ત્રીજા ક્રમે રહ્યું છે. દરમિયાન સ્વચ્છતાની બાબતે રાજ્યની શ્રેણીમાં છત્તીસગઢને ટોચનો ક્રમ મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક એવા વારાણસીને સૌથી સ્વચ્છ ગંગા શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે બિહારના મુંગેર તેમજ પટણાને બીજો અને ત્રીજો ક્રમ ફાળવવામાં આવ્યો હતો. ભારત સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પ્રતિ વર્ષ સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે.
ગુજરાતના સુરતે આ વર્ષે પણ દેશના બીજા સૌથી સ્વચ્છ શહેરનું બહુમાન જાળવી રાખ્યું છે. નવી મુંબઈ ત્રીજા સ્થાનેથી નીચે સરક્યું હતું અને વિજયવાડા ત્રીજા ક્રમે રહ્યું હતું જ્યારે નવી મુંબઈનો ચોથો ક્રમ રહ્યો હતો.
આ સર્વેક્ષણમાં 4,320 શહેરોને આવરી લેવાયા હતા તેમજ 4.2 કરોડ લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. રાજ્યની શ્રેણીમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેમાં 100થી વધુ સ્થાનિક સ્વરાજની સંસ્થા આવેલી છે તેમનો અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ રહ્યો હતો. 100થી ઓછી સંસ્થાની યાદીમાં ઝારખંડ પ્રથમ રહ્યું હતું જ્યારે હરિયાણા બીજા ક્રમે અને ગોવા ત્રીજા ક્રમે રહ્યું હતું.
મધ્યમ કદના શહેરોમાં નોઈડા પ્રથમ સ્થાને રહ્યું હતું. એક લાખ કરતા ઓછી વસતિ ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં મહારાષ્ટ્રના વિટાનો પ્રથમ ક્રમ રહ્યો હતો. જિલ્લાવાર ક્રમાંક યાદીમાં સુરતને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું. ઈન્દોરને બીજું અને નવી દિલ્હીને ત્રીજું સ્થાન ફાળવાયું હતું.