અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં સફાઇ કામદારોના પડતર પ્રશ્નોની સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ

0
242

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી એમ. વેંકટેશનજીની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના સફાઇ કામદારોના પડતર પ્રશ્નોની સમીક્ષા બેઠક કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકના આરંભે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી એમ. વેંકટેશનજીએ જણાવ્યું હતું કે, સફાઇ કર્મચારીઓને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ઉત્થાન કરવાનો ઉમદા આશય આ આયોગનો છે. સફાઇ કામદારોને સમાજની મુખ્યઘારા સાથે ભેળવવાના ભાવ સાથે સમગ્ર રાષ્ટ્રમાં સફાઇ કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા માટે આ આયોગ કામ કરી રહ્યું છે. દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની શાસનઘુરા સંભાળી ત્યારે દેશમાં સૌ પ્રથમ ’સ્વચ્છ ભારત મિશન’નો આરંભ કરાવ્યો હતો. આ વાત જ તેમના દિલમાં સફાઇ કામદારો પ્રત્યેનો આદર-ભાવ કેટલો છે, તે દર્શાવી આપે છે.
કોરોનાકાળમાં પણ સફાઇ કર્મયોગીઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી બજાવી છે, તે વાત પ્રશસંનીય છે, તેવું કહી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવારે જણાવ્યું હતું કે, સફાઇ કર્મચારીઓને દરેક કર્મયોગીની જેમ સન્માન મેળવવાનો અધિકારી છે. આયોગ દ્વારા બેઠકમાં ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકા, કલોલ, દહેગામ અને માણસા નગરપાલિકામાં કાયમી અને કોન્ટ્રાક્ટમાં પોતાની ફરજ અદા કરતાં સફાઇ કર્મયોગીની સાથે ચર્ચા કરી તેમના મુખે પ્રશ્નો સાંભળ્યા હતા. સફાઇ કર્મચારીઓને આયોગ દ્વારા તેમને મળતો પગાર ?, ઓળખકાર્ડ આપવામાં આવે છે કે નહિ, કોન્ટ્રાકટમાં કામ કરતા કર્મચારીઓને ઇન્સ્યોરન્સ છે કે નહિ ? સમયાંતરે આરોગ્યની ચકાસણી થાય છે કે નહિ ?, જેવા અનેક પ્રશ્નો પૂછી તેમની માહિતી મેળવી હતી. આયોગ સમક્ષ સર્વે સફાઇ કામદારોને મુક્ત મને પોતાની વાતની રજૂ કરી હતી.
આ બેઠકમાં આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવારે કોન્ટ્રાકટ રાખનાર એજન્સીઓને હાથના મોજા, બુટ, ઇન્સ્યોરન્સ, માસ્ક, યુનિફોર્મ, બ્લડ ગ્રૃપ સાથેનું આઇ-કાર્ડ, સેનેટાઇઝર સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે જરૂરી સફાઇના સાઘનો આપવા માટે સૂચના આપી હતી.
આ બેઠકમાં આયોગ દ્વારા સફાઇ કામદારોના આવાસ બનાવવા માટેનું સુચારું આયોજન કરવા માટે ભારપૂર્વક સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ અનુસાર સફાઇ કર્મચારીઓ માટે વોશરૂમ, પીવાના પાણીની સુવિઘા, ચા-નાસ્તો અને ભોજન લઇ શકે અને કપડા બદલી શકે તે માટેની અલાયદી સુવિઘા માટે પણ જણાવ્યું હતું. આયોગ દ્વારા મહિલા કર્મચારીઓ પોતાના બાળકોને યોગ્ય રીતે તૈયાર કરીને અને ટિફિન બનાવી આપીને બાળકોને શાળાએ સરળતાથી મોકલી શકે તે માટે તેમની ફરજના સમયમાં ફેરફાર કરવા માટે પણ જણાવ્યું હતું. વરસાદી સમયમાં અને તેમના સ્વાસ્થ્ય માટે તેમને રેનકાર્ડ કે એપ્રેાન આપવા માટે પણ એજન્સીના સંચાલકોને સૂચના આપી હતી.
આ બેઠકમાં સફાઇ કામદારોને સરકારની વિવિઘ યોજના અને અન્ય લાભો વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેની સાથે સફાઇ કામદારો દ્વારા રજૂ કરવામાં આવેલા અન્ય પ્રશ્નો પણ આયોગ દ્વારા અધિકારી- એજન્સીના સંચાલકો સાથે ચર્ચા-વિર્મશ કર્યા હતા. બેઠકના આરંભે આયોગના અધ્યક્ષ શ્રી એમ.વેંકેટેશનજી અને ઉપાધ્યાયક્ષ શ્રી અંજના પવારનું જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર શ્રી જે.એન.વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, ડેપ્યુટી કમિશનર શ્રી કયુર જેઠવા, ડી.વાય.એસ.પી. શ્રી અમી પટેલ, કલોલ, દહેગામ અને માણસા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત અધિકારીઓ અને સફાઇ કર્મયોગીઓના સંગઠનના અગ્રણીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.