અયોધ્યા જમીન વિવાદની સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરો : ચીફ જસ્ટિસ ગોગોઈ

0
1041

અયોધ્યામાં રામ મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે હવે મધ્યસ્થાના પ્રયાસને લઈને કેસની સુનાવણીને રોકવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સુનાવણીની સાથે જ સમાંતર રૂપે મધ્યસ્થીના પ્રયાસો ચાલુ રાખી શકાય છે. અયોધ્યામાં રામ મંદિરને લઈને જમીન વિવાદના કેસમાં સુનાવણી પૂર્ણ કરવા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ડેડલાઈન નિર્ધારિત કરી દીધી છે. ચીફ જસ્ટિસ ગોગોઈએ 18 ઓક્ટોબર સુધીમાં તમામ પક્ષકારોની દલીલો પૂર્ણ કરવાની ડેડલાઈન નક્કી કરી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી માટે સમયમર્યાદા નિયત કરતા હવે નવેમ્બર મહિનામાં દેશની રાજકીય અને સામાજીક વ્યવસ્થાને જોતા આ કેસમાં મહત્વનો ચુકાદો આવી શકે છે. ચીફ જસ્ટિસ ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત થઈ રહ્યા છે. તેમની નિવૃત્તિ પૂર્વે આ કેસનો ચુકાદો આવે તેવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં દરરોજ સુનાવણી કરવા આદેશ આપ્યો છે અને સુનાવણીનો સમય એક કલાક વધારવા તેમજ જરૂર જણાય તો શનિવારે પણ કોર્ટમાં સુનાવણી હાથ ધરવા સુચન કર્યું છે.

ચીફ જસ્ટિસે જણાવ્યું કે 18 ઓક્ટોબર સુદીમાં દલીલો અને સુનાવણી પૂર્ણ થવી જોઈએ જેથી ચુકાદો લખી શકાય. આ અંગે મુસ્લિમ પક્ષકારે 27 સપ્ટેમ્બરના પોતાની દલીલ પૂર્ણ કરવનું જણાવ્યું હતું. ત્યારબાદ હિન્દુ પક્ષે ક્રોસ દલીલ માટે વધુ બે દિવસ લાગી શકે તેમ જણાવ્યું હતું. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પણ ઉમેર્યું કે તેમને પણ ક્રોસ દલીલ માટે વધુ બે દિવસ થશે. આમ બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ચાર દિવસ ક્રોસ દલીલ માટે થશે.

ચીફ જસ્ટિસે વધુમાં જણાવ્યું કે અમને મધ્યસ્થતા માટે પત્ર મળ્યા છે. આ પ્રયાસને સુનાવણીની સમાંતર ચાલુ રાખી શકાય છે. સુન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાએ પત્ર લખીને મધ્યસ્થા પેનલને એક વખત ફરી વાતચીતથી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રકારના પ્રયત્નો ચાલુ રાખવાની છૂટ છે પરંતુ સુનાવણી ચાલુ રખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here