આંગણવાડીના બાળકોના ભોજન માટેના સામાન ની ચોરી…

0
62

ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડામાં પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં રહેલી આંગણવાડીના તાળા તોડીને તસ્કરો દ્વારા બાળકોના ભોજન માટે રખાયેલા તેલના બે ડબ્બા અને ગેસ સિલિન્ડરની ચોરી કરી લેવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ તસ્કરોને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી હતી.પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઠિયા ટોળકીની સાથે હવે તસ્કરો પણ સક્રિય થઈ ગયા છે. આ વખતે તો તસ્કરોએ જાણે કે હદ વટાવી હોય તેમ આંગણવાડીમાં નાના ભૂલકાઓના ભોજન માટે રાખવામાં આવેલા તેલના ડબ્બા જ ચોરી લીધા છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ડભોડા ખાતે રહેતા અને આંગણવાડીમાં નોકરી કરતા નીલમબેન પ્રકાશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ડભોડાના દાદુનગર ખાતે આવેલી આંગણવાડીમાં નોકરી કરે છે અને ગત શનિવારના રોજ તેઓ આંગણવાડીને તાળું મારી ઘરે ગયા હતા. જોકે આજે સવારના સમયે તેઓ આંગણવાડીમાં પહોંચ્યા ત્યારે તેના તાળા તૂટેલા હતા અને આંગણવાડીમાં રસોડામાં રાખવામાં આવેલા બે તેલના ડબ્બા અને એક ગેસ સિલિન્ડરની ચોરી થવા પામી હતી. જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં આ ચીજ વસ્તુઓ મળી આવી ન હતી અને ડભોડા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ તસ્કરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે, આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે તસ્કરો દ્વારા આંગણવાડીઓને નિશાન બનાવવામાં આવી હતી અને તેના આરોપીઓ પણ હજી સુધી પકડાયા નથી.