આંતરરાષ્ટ્રીય ‘સાયબર સ્લેવરી’ રેકેટના મુખ્ય સૂત્રધારની ગુજરાતથી ધરપકડ….

0
324

500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલન્સને વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા સ્થિત ચાઇનીઝ સાયબર માફિયાના ‘સાયબર સ્લેવરી’ સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નિલેશ પુરોહિત ઉર્ફે ‘નીલ’ની ગાંધનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.’ઘોસ્ટ’ તરીકે જાણીતા નીલ પુરોહિત અને તેના બે સાથીદારની ધરપકડ બાદ અન્ય બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. નીલના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે; તપાસમાં બહાર આવ્યું છે કે તે 126થી વધુ સબ-એજન્ટો અને 30 પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં રહીને વિદેશમાં ઊંચા પગારની જોબ્સની લાલચ આપીને ભારત સહિત 11 દેશોના 500થી વધુ નાગરિકોને સાયબર સ્લેવરી માટે મોકલી ચૂક્યો હતો અને 1000થી વધુ લોકોને મોકલવાની ડીલ કરી હતી.આરોપીએ દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોની ટિકિટ બુક કરાવી ભારત, શ્રીલંકા, ફિલિપિન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરિયા, ઇજિપ્ત, કેમેરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોના 500થી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફત મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા. આરોપી નિલેશ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.