ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન આજે બાવીસ માર્ચથી શરૂ થઈ રહી છે. ભાગ લઈ રહેલી ૧૦ ટીમ આ સીઝનમાં ૧૪ લીગ મૅચ રમશે. તેઓ તેમના ગ્રુપની ચાર ટીમ અને બીજા ગ્રુપમાં સમાન હરોળની ટીમનો સામનો હોમ અને અવે મૅચમાં કરશે. દરેક ટીમ બીજા ગ્રુપની બાકીની ચાર ટીમ સાથે પણ એક-એક વખત રમશે. દરેક ટીમ હોમ ગ્રાઉન્ડ પર ૭ મૅચ રમશે. ભારતના ૧૩ વેન્યુ પર ઑલમોસ્ટ બે મહિનામાં ૭૪ મૅચ રમાશે, જેમાં ૧૨ વાર ડબલ-હેડર મૅચ રમાશે. ગ્રુપ-સ્ટેજના અંતે ટૉપ ફોર ટીમ પ્લેઑફ માટે ક્વૉલિફાય થશે. ટોચની બે ટીમ ફાઇનલમાં સીધા પ્રવેશ માટે હૈદરાબાદમાં પ્રથમ ક્વૉલિફાયર (૨૦ મે) રમશે. ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો હૈદરાબાદમાં એલિમિનેટર (૨૧ મે) મુકાબલામાં ટકરાશે. એ મૅચની વિજેતા ટીમ ક્વૉલિફાયર-ટૂમાં (૨૩ મે) પ્રથમ ક્વૉલિફિકેશન ગેમમાં હારેલી ટીમ સાથે કલક્તામાં રમશે. એ મૅચની વિજેતા ટીમને કલકત્તામાં આયોજિત IPL 2025 ફાઇનલ (૨૫ મે)માં ભાગ લેવાની તક મળશે. આ સીઝનની ૧૦ ટીમમાંથી ગુજરાત ટાઇટન્સ (૫૯.૫૭) સૌથી વધુ જીતની ટકાવારી ધરાવે છે, જ્યારે પંજાબ કિંગ્સ (૪૪.૩૦) સૌથી ઓછી જીતની ટકાવારી ધરાવે છે. ચેન્નઈ, ગુજરાત અને પંજાબ પાસે પચીસ સભ્યોની ફુલ સ્ક્વૉડ છે, જ્યારે હૈદરાબાદ અને રાજસ્થાન સૌથી ઓછી વીસ સભ્યોની સ્ક્વૉડ ધરાવે છે. દસ ટીમમાંથી ચેન્નઈની સ્ક્વૉડ (૧૩૪૮ મૅચ) પાસે સૌથી વધુ IPL મૅચ રમવાનો અનુભવ છે, જ્યારે રિષભ પંતની લખનઉ ટીમ (૬૮૮ મૅચ)ના પ્લેયર્સ પાસે સૌથી ઓછો અનુભવ છે.