લોકસભા ઉપરાંત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાંતર ચૂંટણી યોજવા માટે કેન્દ્ર સરકાર મંગળવારે બહુચર્ચિત ‘વન નેશન, વન ઈલેક્શન’ અંગેના બિલ લોકસભામાં રજૂ કરશે. વિપક્ષ દ્વારા આ બિલના કરાઈ રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા બંધારણીય સુધારા અંગેના આ બિલ ગૃહમાં રજૂ કરાશે. વિપક્ષના વિરોધના કારણે આ બિલ મુદ્દે સંસદમાં હોબાળો થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અહેવાલ અનુસાર, બંને બિલો પર વ્યાપક સહમતિ સધાય તે માટે સરકાર તેમને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ને મોકલશે.
કાયદામંત્રી અર્જુન મેઘવાલ 17 ડિસેમ્બરે લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વિધેયક રજૂ કરશે. બંધારણીય બિલ 2024 (129મો સુધારો), લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સમાંતર યોજવા અંગેનો છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા (સુધારો) બિલ 2024, જમ્મુ-કાશ્મીર અને નવી દિલ્હીના કેન્દ્ર શાસિત પ્રદેશોની ચૂંટણી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા સંબંધિત છે. અગાઉ, આ વિધેયકને 16 ડિસેમ્બરના બિઝનેસના એજન્ડા તરીકે સૂચિબદ્ધ કરાયું હતું. સરકારે આ વિધેયકની નકલો સાંસદોને વહેંચી દીધી છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે.