આજે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં શિક્ષકોની સાથે સરકારની ‘કસોટી’

0
316

ગાંધીનગર જિલ્લાના ૨૩૭ સેન્ટરો ઉપર સર્વેક્ષણ અંગે તૈયારીઓ કરાઇઃસરકારી પ્રાથમિક શિક્ષકોમાં છેલ્લી ઘડી સુધી અસમંજસ

સમગ્ર રાજ્યમાં સરકારી શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણના ભાગરૃપે કસોટી લેવામાં આવનાર છે. સરકારનું એવું કહેવું છે કે, આગામી દિવસોમાં શિક્ષકોને તાલીમ આપી શકાય અને બાળકો તથા શિક્ષકોના હિતમાં આ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યો છે તો બીજીબાજુ આ સર્વેક્ષણ લેખિત કસોટી જેવો હોવાને કારણે શિક્ષકોમાં વિવિધ તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે. વારંવાર વિરોધ કરવા છતા પણ સરકાર દ્વારા હવે આવતીકાલે આ સર્વેક્ષણ રૃપી કસોટી લેવામાં આવનાર છે ત્યારે આ કસોટી આપવી કે નહીં તે બાબતે જિલ્લાના શિક્ષકોમાં છેલ્લી ઘડી સુધી અસમંજસ જોવા મળી રહ્યો છે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મંગળવારે રાજ્યભરના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શિક્ષક સંઘો અને સંગઠનો આ બાબતે વિરોધ કરી રહ્યાં છે. અગાઉ શિક્ષકો દ્વારા આ બાબતનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે, મંગળવારે લેવામાં આવનારી શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી ચાલુ રહેશે. આ કસોટીમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. બાળક અને શિક્ષણના હિતમાં શિક્ષણની ગુણવતા બાબતે ચર્ચા થવી જરૃરી છે જેના પગલે શિક્ષણ વિભાગ ચિંતા કરી રહ્યું છે.

ધોરણ પ્રમાણે બાળકોને લખતાં વાંચતા આવડવું જોઇએ જેને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તાલીમ આપવામાં આવનાર છે. આ તાલીમ કઇ દિશામાં આપવી અથવા તાલીમ કેવા શિક્ષકોને કેટલી આપવી તે માટેનો એક અંદાજ આવી શકે તેને અનુલક્ષીને આ તાલીમ આ પ્રક્રિયા મરજીયાત છે. આ કસોટીમાં કોઇ પણ શિક્ષકને નાપાસ કરવામાં આવનાર નથી. એટલે જ આ કસોટીને સર્વેક્ષણ નામ આપવામાં આવ્યું છે. આ પરીક્ષાને લગતી કોઇ બાબતનો ઉલ્લેખ સેવાપોથીમાં પણ ક્યાંય કરવામાં આવશે નહીં તેમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. સર્વેક્ષણ બાબતે ગાંધીનગર જિલ્લાના શિક્ષકોમાં પણ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. કસોટી આપવી કે નહીં તે અંગે શિક્ષકોમાં છેલ્લી ઘડી સુધી અસમંજસ છે ત્યારે હવે મંગળવારે જ ખ્યાલ આવી શકે કે કેટલા શિક્ષકો આ પરીક્ષા આપશે. આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ૫૦ ટકાથી વધુ શિક્ષકો આ કસોટી નહીં આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here