આજે 9 જાન્યુઆરીએ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ……

0
233

ભારતમાં દર વર્ષે નવમી જાન્યુઆરીના દિવસે ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિનની ઉજવણી માટે નવમી જાન્યુઆરીની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ જ દિવસે વર્ષ 1915માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. આ જ દિવસને ભારતના સ્વાતંત્ર્ય જંગમાં મહાત્મા ગાંધીના આગમનના દિવસ તરીકે ગણવામાં આવે છે.વર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે.આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોના યોગદાનને બિરદાવવા માટે ખાસ આયોજન કરવામાં આવે છે.પ્રવાસીઓનું દેશની પ્રગતિમાં મોટુ યોગદાન માનવામાં આવે છે.  પોતાના દેશમાં વિદેશી રકમ મોકલવાના કેસમાં ભારતીય પ્રવાસી સૌથી આગળ રહ્યા છે.સૌથી વધારે પ્રવાસી ભારતીય ગલ્ફ દેશોમાં રહે છે. ગલ્ફ દેશોમાં લગભગ 30 લાખ પ્રવાસી ભારતીય રહે છે. બ્રિટેનમાં લગભગ 10 લાખ પ્રવાસી ભારતીય છે. કેનેડામાં લગભગ દોઢ લાખ પ્રવાસી ભારતીય રહે છે. એક અંદાજ અનુસાર ગલ્ફ દેશમાં રહેતાં 70 ટકા પ્રવાસી ભારતીય એટલે કે લગભગ 21 લાખ લોકો ગલ્ફ દેશોમાં મહેનત અને મજૂરી કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે.