ઇન્ફોસિટી પાસે કારનો કાચ તોડી રોકડા 12 લાખ રૂપિયા ની ચોરી

0
199

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચોરી લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઠિયા ટોળકીનો પણ ત્રાસ વધી રહ્યો છે. શહેરના ઇન્ફોસિટી પાસે કારનો કાચ તોડીને તેમાંથી ૧૨ લાખ રૃપિયા રોકડા ઉઠાવી જવાની ઘટના બહાર આવી છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ શરૃ કરી હતી. સેક્ટર ૨ના રહીશ આંગડિયામાંથી રૃપિયા લઈને ચાની લારી ઉપર બેઠા હતા તે સમયે ઘટના બની હતી.

રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ગુનો આચરી રહેલા આવા તત્વો સમયસર પોલીસ પકડમાં નહીં આવતા ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે આજે સાંજના સમયે શહેરના પ્રવેશ દ્વાર સમા ઇન્ફોસિટી પાસે કારનો કાચ તોડીને ૧૨ લાખ રૃપિયાની ચીલ ઝડપની ઘટના સામે આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે શહેરના સેક્ટર બેમાં રહેતા અને મૂળ તલોદના સલાટપુર ગામના રહેવાસી સંજયભાઈ રબારી આંગડિયા પેઢીમાંથી ૧૨ લાખ રૃપિયા ઉપાડીને નિત્યક્રમ મુજબ ઇન્ફોસિટી ખાતે આવેલી ચાની લારી ઉપર મિત્રો સાથે બેસવા માટે ગયા હતા. આ દરમિયાન બાઈક ઉપર આવેલા કેટલાક ગઠિયાઓ દ્વારા તેમની કારનો કાચ તોડીને તેમાંથી ૧૨ લાખ રૃપિયા ભરેલો થેલો ચોરી લેવામાં આવ્યો હતો. સંજયભાઈને આ ઘટના અંગે જાણ થતા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ ચોરી કરનાર ગઠિયાઓનો કોઈ જ  પતો લાગ્યો ન હતો. જેથી આ મામલે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેમની રજૂઆતને પગલે ગઠિયાઓને શોધવા માટે મથામણ શરૃ કરી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી પરંતુ પોલીસ ૧૨ લાખ રૃપિયા ચોરી જનાર ગઠિયાઓને શોધવા દોડી રહી છે.