દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ ૩૦૯ દૈનિક કેસ સાથે કોવિડ-૧૯ના નવા કેસ વધીને ૧૬,૭૬૪ થયા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ ૧,૨૭૦ થયા છે. જોકે, આ ૧,૨૭૦ દર્દીમાંથી ૩૭૪ સાજા થઈ ચૂક્યા છે અથવા અન્ય દેશમાં પરત ફર્યા છે.
અત્યાર સુધી દેશના ૨૩ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૫૦, દિલ્હીમાં ૩૨૦, કેરલમાં ૧૦૯ અને ગુજરાતમાં ૯૭ કેસ છે. દેશમાં ૬૪ દિવસ પછી કોવિડ-૧૯ના દૈનિક કેસ ૧૬,૦૦૦ને વટાવી ચૂક્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ ૩,૪૮,૩૮,૮૦૪ થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને ૯૧,૩૬૧ થઈ છે. વધુ ૨૨૦ મૃત્યુ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૪,૮૧,૦૮૦ નોંધાયો છે. અગાઉ ૨૭ ઓક્ટોબરે દેશમાં કોરોનાના દૈનિક કેસ ૧૬,૦૦૦થી વધુ ૧૬,૧૫૬ રહ્યા હતા.
કોરોનાના કુલ કેસમાં અત્યારે એક્ટિવ કેસનું પ્રમાણ ૦.૨૬ ટકા છે. જ્યારે રિકવરી રેટ ૯૮.૩૬ ટકા રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં ૮,૯૫૯નો વધારો નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી દર ૧.૩૪ ટકા રહ્યો છે. ૮૮ દિવસથી આ દર બે ટકાની નીચે છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર ૦.૮૯ ટકા છે અને તે ૪૭ દિવસથી એક ટકાની નીચે રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોવિડ વેક્સિનના ૧૪૪.૫૪ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.