નેટફ્લિક્સ દ્વારા એક પ્રોમો લોંચ કરવામાં આવ્યો છે, જેમાં એક રમુજી ક્ષણ બતાવવામાં આવી છે. જેમાં કપિલ શર્મા જજ અર્ચના પુરણસિંઘને એક સરપ્રાઇઝ ગિફ્ટ બતાવીને ચીડવે છે. અર્ચનાને લાગે છે કે કોઈ ગાડી હશે પરંતુ જેવી સિદ્ધુની એન્ટ્રી થાય છે કે અર્ચના અવાચક રહી જાય છે. તે દર્શાવે છે કે સિદ્ધુ અને અર્ચના પુરણસિંઘ બંને આ શોમાં જજ તરીકે જોવા મળશે. આ પ્રોમો તો ચર્ચામાં છે, પરંતુ આ શો માટે સિદ્ધુ કેટલી ફી વસુલશે, તેની પણ ચર્ચા છે.
એવી ચર્ચા છે કે સિદ્ધુએ આ શો માટે ઘણી મોટી ફી વસુલી છે. સિદ્ધુ છેલ્લે 2018થી 2020થી કપિલ શર્માના શોમાં જોવા મળ્યો હતો. તે વખથે તેણે 125 એપિસોડ માટે 25 કરોડ ફી લીધી હતી. જે એક એપિસોડની લગભગ 20 લાખ જેટલી ફી હતી. પરંતુ હવે ઓટીટી પર સિદ્ધુ પહેલી વખત એન્ટ્રી કરે છે, ત્યારે તે તેનાથી પણ ઘણી વધારે ફી લેશે. દરેક અઠવાડિયે એક એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવશે, જેના માટે સિદ્ધુની એપિસોડ દીઠ ફી 30થી 40 લાખ વચ્ચે હોવાની ચર્ચા છે, જે તેની પહેલાંની સીઝન કરતાં લગભગ બમણી હશે. 2019માં પુલવામા હુમલા વખતે વિવાદીત નિવેદન બાદ સિદ્ધુને આ શોમાંથી દૂર કરાયા હતા. તેનું સ્થાન અર્ચના પુરણસિંઘે લઈ લીધું હતું. ત્યાર પછી શોમાં પણ ઘણા ફેરફાર થયા અને પછી તે ટીવી પરથી ઓટીટી પર પહોંચ્યો. પરંતુ અર્ચના પુરણસિંઘનું સ્થાન તેમાં જળવાઈ રહ્યું હતું. હવે આ શોની ત્રીજી સીઝનમાં સિદ્ધુ અને અર્ચના બંને જજ તરીકે જોવા મળશે. ત્યારે મજા ડબલ હશે, હાસ્ય ડબલ હશે અને સાથે જ જુની યાદો પણ તાજી થશે.