પાટનગરમાં સેક્ટર 2 બીમાં રહેતા સાસુના ખબર અંતર પૂછવા અમદાવાદથી આવેલા યુવાનની તબિયત લથડતા કરવામાં આવેલો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સેક્ટર 4માં 35 વર્ષિય મહિલા ચેપગ્રસ્ત બની છે. બીજી બાજુ શહેર નજીક કોલવડા ગામનો યુવાન કોરોના વાઈરસથી સંક્રમિત બન્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોલવડા અને કુડાસણનો યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. જેમાં કોલવડાનો યુવાન બારેજા ઓએનજીસીમાં નોકરી કરતો હોવાથી કંપનીની બસમાં અપડાઉન કરતો હતો. જ્યારે કંપનીમાં કેટલા સંપર્કવાળા તેની તપાસ ચાલી રહી છે. ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4 નવા કેસ સાથે 204 પર પહોંચી ગઇ છે. જોકે 13 મૃત્યુ નોંધાયા છે અને તેની સામે 130 વ્યક્તિ સાજા થઇ જવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે.
જિલ્લાના ચારેય તાલુકામાંથી માત્ર ગાંધીનગરમાંથી જ બે પોઝિટિવ આવ્યા છે. જ્યારે દહેગામ, કલોલ અને માણસા તાલુકામાંથી એકપણ કેસ સોમવારે નોંધાયો નથી. જિલ્લામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 204 થયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ચારેય તાલુકામાંથી પોઝિટિવ કેસમાં ગાંધીનગર તાલુકો અગ્રસેર રહ્યો છે. ગાંધીનગર તાલુકામાંથી અત્યાર સુધીમાં 60 કેસમાંથી 12 હોસ્પિટલાઇઝ અને 42ને હોસ્પિટલમાંથી રજા આપી છે. જ્યારે 5 દર્દીઓના મોત સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. દહેગામ તાલુકામાં અત્યાર સુધી 15માંથી 1 હોસ્પિટલમાં અને 10ને રજા આપી છે. જ્યારે 4 દર્દીના મોત નિપજ્યા છે. માણસાના 10માંથી ત્રણ હોસ્પિટલમાં જ્યારે 7 દર્દીને રજા આપી છે. કલોલના 34 માંથી 10 હોસ્પિટલમાં અને 21ને હોસ્પિટલમાંથી રજા જ્યારે 3 દર્દીઓના મોત નિપજ્યા છે.