કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આઠમું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતના મહત્વના ગણાતા, ટેક્સટાઈલ, ડાયમંડના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની મિશ્ર પ્રતિક્રિયા વ્યકત કરી છે. ટેક્સટાઈલ ઉદ્યોગને માટે મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને સારી આશા જાગી છે. જો કે, મંદીમાં સપડાયેલા ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ થયા હતા.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના રિજીયોનલ મેમ્બર નૈનેષ પચ્ચીગરે કહ્યું કે, બજેટમાં ડાયમંડ અને ગોલ્ડ માટે કોઈ છૂટછાટ જાહેર કરવામાં આવી નથી. ગોલ્ડ માટે કસ્ટમ ડ્યુટી 6% કરવા રજૂઆત કરી હતી. પણ તેમાં પણ કોઈ ફેરફાર થયો નથી. આવક કર સ્લેબમાં મોટો ફેરફાર કરાતા સામાન્ય વર્ગને ફાયદો થશે. હાલ હીરા ઉદ્યોગમાં મંદી છે. બજેટમાંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કોઈ ખાસ લાભ મળ્યો નથી. હીરા ઉદ્યોગ માટે પેકેજ રજૂ કરવામાં આવે તે માટે અમે ફરી રજૂઆત કરીશું. ગોલ્ડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટી ઓછી કરાઈ હોત તો સ્મગલિંગ ઘટત. કેપિટલ ગેઈન ટેક્સ દૂર કરાયો હોત તો સામાન્ય વર્ગને વધુ ફાયદો થાત.
કોટન, ટેકનિકલ ટેક્સટાઈલને ફાયદો
ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલાએ કહ્યું કે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત સપોર્ટ મળશે. કોટન ઉદ્યોગ માટે ખેડૂતોને રાહત આપવાની જાહેરાતથી કોટન ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે. ટેકનિકલ ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગ-લઘુ ઉદ્યોગ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. લુમ્સ અને હેવી ઇન્ડસ્ટ્રીમાં મશીનો માટે ‘મેક ઇન ઇન્ડિયા’ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કોટન ઉદ્યોગને પ્રોત્સાહન માટે વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ મશીન પર પ ટકા ડયૂટી માફી હતી, આ મર્યાદા ૩૧ માર્ચ ર૦રપથી વધારી દેવામાં આવી છે. નવી ટેક્સટાઇલ પોલિસીથી ઉદ્યોગની સ્થિતિ સુધરશે અને વિદેશી કાપડ પર અંકુશ લાગશે.
– વિજય મેવાવાળા, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, સુરત
હીરા ઉદ્યોગ માટેની આશા ફળી નથી
નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લી બોલે છગ્ગો માર્યો હોય તેમ વ્યક્તિગત કરદાતાની વર્ષો જૂની માંગણીનો સ્વીકાર કરી છે. લોકોમાં સાર્વત્રિક આનંદ ફેલાયો છે. રૂપિયા ૧ લાખ કરોડ ગુમાવીને પણ ટેકસ સ્લેબમાં થયેલા આ સુધારાને કારણે હવે લોકો ટેકસ ભરવા માટે પ્રેરિત થશે. સર્વગ્રાહી રીતે દેશના અર્થતંત્રને ફાયદો થશે. ડાયમંડ ઉદ્યોગને રફ ડાયમંડ પરની ઈમ્પોર્ટ ડયુટી ઘટશે તેવો આશાવાદ હતો, પરંતુ તે ફળીભૂત નહિ થતા હીરા ઉદ્યોગ નારાજ છે તેમ કહી શકાય. જો કે, એમ.એસ.એમ.ઈ. અંતર્ગત ફૂટવેર અને લેધર સેક્ટરને, રમકડા સેક્ટરને અને બિહારમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપનાની જાહેરાતને કારણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને ખૂબ ફાયદો થશે.
– નિખીલ મદ્રાસી, ઉપપ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, સુરત.
રાજકોષીય ખાધ ઘટાડવાનું લક્ષ્ય આવકારદાયક
કોઇપણ દેશના વિકાસ માટે રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફીસિટ ઓછી થાય તે આવકારદાયક ઘટના છે. પ.૧% થી ૪.૮% અને આવતા વર્ષે આ રાજકોષીય ખાધ ૪.૪% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક દેશના જી.ડી.પી.ને વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે જ દેશની ઇકોનોમીને પણ મજબૂત બનાવશે. આવકવેરાના નવા સ્લેબમાં પણ સુધારા ખૂબ જ આવકારદાયક છે.
– રમેશ વઘાસિયા, પૂર્વ પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, સુરત
નાના ઉદ્યોગકારો ગુણવત્તા સુધારી શકશે
કેન્દ્રિય બજેટમાં હેલ્થ કેર અને મેન્યુફેકચરીંગ સેકટર માટે આયાત કરાતી મશીનરી તેમજ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ પરની બેઝિક કસ્ટમ ડયૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો સીધો લાભ લઘુ તથા મધ્યમ વર્ગના ઉદ્યોગકારોને થશે. નાના ઉદ્યોગકારો નવી મશીનરી આયાત કરીને કવોલિટી પ્રોડકટનું ઉત્પાદન વધારી શકશે અને ત્યારબાદ એક્ષ્પોર્ટ કરી શકશે. આ ઉપરાંત ઉદ્યમ પોર્ટલ પર જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેવા એમ.એસ.એમ.ઈ.ને રૂપિયા પ લાખ સુધીની મર્યાદામાં કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેનાથી એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને ફાયદો થશે.
– નિરવ માંડલેવાળા, મંત્રી, ચેમ્બર ઓફ કોમર્સ, સુરત.