કેરલાના કલામસેરીમાં સિરિયલ બ્લાસ્ટ્સ…

0
187

કેરલાના કલામસેરીમાં ગઈ કાલે એક કન્વેન્શન સેન્ટરમાં સિરિયલ બ્લાસ્ટ્સમાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે ૩૬ને ઈજા થઈ હતી. પ્રાર્થનાસભાની શરૂઆત બાદ થોડી જ મિનિટ્સમાં ત્રણ બ્લાસ્ટ્સ થયા હતા.

કોચીથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલા કલામસેરીમાં આ સેન્ટર ખાતે એક ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન આ વિસ્ફોટો થયા હતા. આ પ્રાર્થનાસભામાં ૨૦૦૦ લોકો હતા. પહેલો બ્લાસ્ટ સવારે ૯.૪૭ વાગ્યે થયો હતો. ત્રણ દિવસની પ્રાર્થનાસભાનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો.આ કન્વેન્શન સેન્ટરમાં હાજર રહેલા લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે પ્રાર્થનાસભાની વચ્ચોવચ્ચ પહેલો બ્લાસ્ટ થયો હતો. એક ટિફિન-બૉક્સમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. કેરલા પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કેસની તપાસ કરી રહી છે. નૅશનલ સિક્યૉરિટી ગાર્ડની એક ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ હતી.
કન્વેન્શન સેન્ટરમાંથી ડિસ્ટર્બ કરી દેતા વિડિયોઝમાં હૉલની અંદર આગ અને બાળકો સહિત લોકોની ડરના માર્યા ચીસો સંભળાય છે.
કેરલામાં બ્લાસ્ટના પગલે દિલ્હીમાં જુદા-જુદા વિસ્તારોમાં ચર્ચની આસપાસ અને મેટ્રો સ્ટેશન્સ ખાતે સુરક્ષા વધારવામાં આવી છે. એક સિનિયર પોલીસ-અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દિલ્હીનાં મેઇન માર્કેટ્સ, બસ સ્ટૅન્ડ્સ, રેલવે સ્ટેશન્સ અને અન્ય જાહેર સ્થળોએ પણ સુરક્ષા વધારવામાં આવી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સ્પેશ્યલ ડિરેક્ટર જનરલ (લૉ ઍન્ડ ઑર્ડર) પ્રશાંત કુમારે તમામ જિલ્લાને અલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. તેમણે યુપીએટીએસને પણ અલર્ટ કરી છે.
જેહોવાહઝ વિટ્નેસિસના ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન આ બ્લાસ્ટ થયો હતો. હવે જેહોવાહઝ વિટ્નેસિસ ક્રિશ્ચન ધાર્મિક ગ્રુપના એક મેમ્બરે થ્રિસૂર જિલ્લામાં પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી અને આ સિરિયલ બ્લાસ્ટ્સની જવાબદારી સ્વીકારી હતી. આ પુરુષનું નામ ડૉમિનિક માર્ટિન છે. તેણે તેના દાવાને સપોર્ટ કરતા પુરાવા પણ આપ્યા હતા. પોલીસ અત્યારે તેના દ્વારા આપવામાં આવેલા પુરાવા, તેના દાવા અને આ બ્લાસ્ટ કરવા માટે તેના દ્વારા જણાવવામાં આવેલાં કારણોની ખરાઈ કરી રહી છે.