કોચિંગ સેન્ટરો માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાઈ નવી માર્ગદર્શિકા

0
172

ભારત સરકારે દેશભરની કોચિંગ સંસ્થાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપી શકતી નથી. આ સિવાય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને ગેરમાર્ગે દોરનારી પ્રમોશન અને સારા માર્કસ કે રેન્કની બાંયધરી આપવાથી પણ અટકાવવામાં આવી છે.
નવી માર્ગદર્શિકા 12મી પછી JEE, NEET, CLAT અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી પૂરી પાડતા કોચિંગ સેન્ટરો માટે લાગુ થશે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કેસ, કોચિંગ સેન્ટરોમાં આગ લાગવાની ઘટનાઓ અને સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે.
શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા હેઠળ, કોચિંગ સંસ્થાઓને વિદ્યાર્થીઓ માટે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, કારકિર્દી માર્ગદર્શન અને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. સરકારે માર્ગદર્શિકાના અમલીકરણના ત્રણ મહિનાની અંદર નવી અને હાલની કોચિંગ સંસ્થાઓની નોંધણીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ કોચિંગ સંસ્થાઓ જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરે છે.