કોરોનાની વેક્સિન બનાવનાર બે વૈજ્ઞાનિકને મેડિસિનનો નોબેલ પુરસ્કાર…

0
251

કોરોનાની mRNA વેક્સિન તૈયાર કરનારા બે વૈજ્ઞાનિક કેટલિન કેરેકો અને ડ્રુ વેઇઝમેનને ચાલુ વર્ષ માટે મેડિસીનનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે. બંનેએ ૨૦૨૦માં ફેલાયેલી કોવિડ-૧૯ મહામારીને રોકવા અસરકારક વેક્સિન બનાવી હતી.

કેરેકો હંગેરીને સાગન યુનિવર્સિટીના પ્રોફેસર છે. તેમણે વેઇઝમેન સાથે મળીને પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં કોવિડ વેક્સિન માટે સફળ રિસર્ચ કર્યું હતું. પુરસ્કાર જાહેર કરનારી પેનલે કહ્યું હતું કે, “બંને વૈજ્ઞાનિકના સફળ રિસર્ચને પગલે mRNAની રોગપ્રતિકારક શક્તિ પર અસરની આપણી સમજણને બદલી નાખી હતી. તેમની શોધથી આધુનિક યુગમાં માનવ સમાજ સામેના સૌથી મોટા જોખમનો સામનો કરવા માટે ખૂબ ઝડપથી વેક્સિન વિકસાવી શકાઈ હતી.” ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વખતે વિશ્વભરમાં કરોડો લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા અને રોગનો ચોક્કસ ઇલાજ શોધી શકાયો ન હતો ત્યારે વેક્સિનની શોધને પગલે ઘણા લોકોના જીવન બચાવવામાં સફળતા મળી હતી.ગયા વર્ષે મેડિસીનનો નોબેલ સ્વિડનના વૈજ્ઞાનિક સ્વાતે પાબોને મળ્યો હતો.

ચાલુ સપ્તાહે નોબેલ પુરસ્કારની જાહેરાત ચાલુ રહેશે. મંગળવારે ફિઝિક્સ, બુધવાર કેમિસ્ટ્રી અને ગુરુવારે સાહિત્યના નોબેલ વિજેતાના નામ જાહેર કરાશે. શાંતિ માટેનો નોબેલ અથવા ‘નોબેલ પીસ પ્રાઇઝ’ શુક્રવારે અને અર્થશાસ્ત્રના નોબેલ વિજેતાનું નામ ૯ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. નોબેલ પુરસ્કારમાં ૧.૧ કરોડ સ્વિડીશ ક્રોનોર (૧૦ લાખ ડોલર)ના રોકડ ઇનામનો સમાવેશ થાય છે. સ્વિડનના આલ્ફ્રેડ નોબેલે આ પુરસ્કાર શરૂ કર્યા હતા. તેમણે ફાળવેલી સંપત્તિમાંથી નોબેલ વિજેતાને ઇનામ આપવામાં આવે છે.

કેરેકો અને વેઇઝમેનને ૧૦ ડિસેમ્બરે યોજાનારા સમારોહમાં પુરસ્કાર મેળવવા આમંત્રણ અપાયું છે. આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથી ૧૦ ડિસેમ્બરના દિવસે તેમની ઇચ્છા અનુસાર પુરસ્કાર ઓસ્લોમાં અપાય છે. જ્યારે એવોર્ડ સમારોહ સ્ટોકહોમમાં યોજવામાં આવે છે. નોબેલ એસેમ્બલીના સેક્રેટરી થોમસ પર્લમેને મેડિસીનના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી.