ગાંધીનગર શહેર-જિલ્લામાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓનો
આંકડો ચિંતાજનક રીતે વધતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગત
નવેમ્બર દરમિયાન ૧૪૫ થી વધુ વ્યક્તિ કોરોનાનો ભોગ બન્યા છે.
કોરોના પોઝીટીવ કેસો પણ દિવસે દિવસે વધી રહ્યો હોઈ સિવિલ સહિત ખાનગી કોવિડ હોસ્પિટલોમાં વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ મહિનાની સરખામણીએ નવેમ્બર
મહિનામાં કોરોના પોઝીટીવ કેસની સામે મૃત્યુનો રેસિયો ૧૦.૬૫ ટકા જેટલો ઊંચો રહ્યો છે. કોરોના કેસોમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હતો. તે
દરમિયાન જ દીવાળીના તહેવારોની ખરીદી માટે ઉમટેલી ભીડને પગલે
પુનઃ કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. ગાંધીનગર શહેર ઉપરાંત જિલ્લાના
ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાની ઝપટમાં આવતાં સ્થિતિ ગંભીર બની
રહી છે. શહેર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સાથે કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધતાં આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર
સિવિલ હોસ્પિટલમાં કોવિડ બેડ વધારીને ૬૦૦ કરવા ઉપરાંત મોટી
સંખ્યામાં સ્ટાફને જવાબદારીમાં જોતરવાની ફરજ પડી છે.