રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યે કહ્યું કે નવા વેરિઅન્ટનો મ્યુટેશન રેટ અન્ય વેરિઅન્ટ્સ કરતાં બમણો વેગ ધરાવે છે , કેટલાક દેશોમાં મળી આવેલો કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ C.1.2 અગાઉના સ્ટ્રેઇન્સ કરતાં વધુ ચેપી હોઈ શકે છે અને એની સામે રસી કેટલી અસરકારક છે એને લઈને પણ શંકા મહારાષ્ટ્ર કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય અને મુંબઈની હૉસ્પિટલના ઇન્ફેક્શિયસ ડિસિઝિસ કન્સલ્ટન્ટ ડૉ. વસંત નાગવેકરે ગુરુવારે વ્યક્ત કરી હતી.
ડૉ. વસંત નાગવેકરે જણાવ્યું હતું કે નવા વેરિઅન્ટનો મ્યુટેશન રેટ અન્ય વેરિઅન્ટ્સ કરતાં બમણો વેગ ધરાવે છે. આ વાઇરસ વિશે ખાસ જાણકારી ન હોવાથી તેના વિશે વિસ્તૃત અભ્યાસ હાથ ધરવો જરૂરી છે.
દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોમાં તાજેતરમાં જ મળી આવેલો નવો વેરિઅન્ટ C.1.2 વધુ ચેપી હોવાની અને એની રસી સામેની અસરકારકતાને લઈને પણ ચિંતા છે. આ વેરિઅન્ટ મ્યુટેશનની ઝડપની દૃષ્ટિએ અન્ય વેરિઅન્ટ્સથી અલગ પડે છે. તે અત્યંત તીવ્ર ગતિએ બદલાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
ડૉક્ટર વસંત નાગવેકરે માસ્ક પહેરવા, રસીકરણ તથા ભીડમાં જવાનું ટાળવાની તકેદારીઓનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો.