ગાંધીનગરનાં વાવોલનાં મકાનમાં આગ લાગતાં દોડધામ મચી

0
123

ગાંધીનગરનાં વાવોલની સંકલ્પ સોસાયટીના મકાનમાં ગઈકાલે મધરાતે શોટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેનાં પગલે સોસાયટીના રહીશોએ આગ લાગેલ મકાનમાં એકલવાયું જીવન જીવતા પેરાલીસીસગ્રસ્ત વૃદ્ધાને બચાવી લઈ સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આગની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી જઈ આગ પર કાબુ મેળવી લેતા વસાહતીઓએ રાહતનો દમ લીધો હતો.

ગાંધીનગરના વાવોલની સંકલ્પ સોસાયટીમાં પેરાલીસીસની બીમારીથી પીડિત 67 વર્ષીય વૃદ્ધા એકલવાયું જીવન વિતાવે છે. જેમની દીકરી ગાંધીનગરમાં જ પોતાની સાસરીમાં રહે છે. માતાને પેરાલીસીસની બીમારી હોવાથી એક આયાબેનને આખો દિવસ સાર સંભાળ માટે રાખવામાં આવ્યા છે. જે સવારથી સાંજ સુધી વૃદ્ધાની સાર સંભાળ સહીતના કામકાજ કરીને ઘરને બહારથી તાળું મારીને જતાં હોય છે.

ગઈકાલે પણ નિત્યક્રમ મુજબ આયાબેન ઘરને બહારથી તાળું મારીને પોતાના ઘરે જતાં રહ્યાં હતાં. ત્યારે મધરાતે અચાનક જ ઘરના એસીમાં શોટ સર્કિટના લીધે આગ ભભૂકી ઉઠી હતી. જેનાં લીધે ફ્રીજ પણ સળગ્યું હતું. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી વૃદ્ધાએ બુમાબુમ કરી મુકતા આસપાસમાં વસાહતીઓ દોડી ગયા હતા અને દરવાજો ખોલીને વૃદ્ધાને ઘરની બહાર કાઢી લીધા હતા. જેઓ શરીરે સામાન્ય દાઝી ગયા હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આગ છેક રસોડા સુધી પ્રસરી ગઈ હતી. જેની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લીધો હતો.