તાજેતરમાં જ ગાંધીનગરમાં નિર્માણ પામેલા ઓપન મોટ પ્રકારના ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન પાર્કની ક્ષમતા કરતા ચાર ઘણા મુલાકાતીઓ ઉમટી પડતાં કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો મુખ્ય ગેટથી જ શરૂ થયેલો જોવા મળ્યો હતો. એમાંય પાર્ક 5 વાગ્યા સુધી જ ખુલ્લું રાખવામાં આવતું હોવા છતાં પાર્કની ટિકિટ આપવાનું ચાલુ રાખી કમાણી કરી લેવામાં આવી રહી હતી.
ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ઓપન મોટ પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે.આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. નવા રૂપ રંગના પ્રકૃતિ ઉદ્યાનને નિહાળવા માટે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પાર્કની ક્ષમતા કરતા વધુ સહેલાણીઓ આજે ઉમટી પડ્યા છે.