ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતી કાલે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ…

0
297

ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દેશે.સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે.બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે.