પાટનગર સહિત ગાંધીનગર તાલુકામાં સોમવારે એક જ દિવસમાં કોરોના પોઝિટીવના નવા 6 કેસ નોંધાયા છે. મનપા વિસ્તારમાં સેક્ટર 3માં 2 કેસ, સેક્ટર 7માં એક કેસ, તાલુકા વિસ્તારમાં અડાલજમાં 1, પેથાપુરમાં 1 અને ભાટ ગામમાં 1 કેસ નોંધાયો છે. ટીવી ન્યૂઝ ચેનલના રિપોર્ટરનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય શાખા દ્વારા સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ તરફથી વિતરણ કરવાની અનાજ, કરિયાણાની કીટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગાંધીનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, કોર્પોરેટરો, શહેર ભાજપના નેતા અને કાર્યકરોને હોમ ક્વોરન્ટાઇન થવા જણાવાયું છે. જ્યાંથી નવા કેસ મળ્યાં છે, ત્યાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 31 થઇ છે, તેમાં પાટનગરમાં 16 કેસ છે. તેમાં 20 પુરૂષ અને 11 સ્ત્રીનો છે. આ પૈકી 1 મહિલા અને 1 વૃદ્ધના અગાઉ મોત થયા છે. જ્યારે 14 દર્દી સાજા થતાં તેને રજા આપી દેવાઈ છે