ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ મોટી કાર્યવાહી કરતા જમીયતપુરાના ખોડીયાર ખાતેના આઇસીડી કન્ટેઇનર ડેપોમાંથી કસ્ટમ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
કસ્ટમ ઇન્સ્પેક્ટર સતીંદરપાલસિંહ કુલવંતસિંહે ફરિયાદીની કંપનીના કેમિકલ રો-મટીરિયલના 272 કન્ટેઇનર ક્લિયર કરવા માટે ₹2.32 લાખની લાંચની માગણી કરી હતી. આ કન્ટેઇનર્સ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન આવ્યા હતા. લાંચ આપવા ન માગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝનમાં પીઆઈ એચ.બી.ચાવડા અને તેમની ટીમે કન્ટેનર ડેપોના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. કસ્ટમ ઇન્સ્પેક્ટર સતીંદરપાલસિંહના કહેવાથી કસ્ટમ વિભાગના આઉટસોર્સ રેસિડેન્ટ એન્જિનિયર અંકિત ભૂપેન્દ્રભાઈ દેસાઈ અને તેમના મળતિયા ગુલામ દસ્તગીર ભીખામિયાં મલેક લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા. એસીબીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ આરોપીઓની વધુ પૂછતાંછ ચાલુ છે.