લોકડાઉન વચ્ચે ખંભાતથી ગાંધીનગર આવનાર અને આ અંગે તંત્રને જાણ નહીં કરનાર મળી બે લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ઘટનાની વિગતો પ્રમાણે આણંદના ખંભાત ખાતે રહેતાં અમૃતભાઈ ચુનારા 23 એપ્રિલના રોજ ગાંધીનગર આવ્યા હતા. તેઓ પોતાના સગા નગીનભાઈ પટ્ટણી (રહે- સેક્ટર-7-સી પ્લોટ નં-880/1)ના ઘરે રોકાયા હતા. આ સમયે અમૃતભાઈ પડી જતા તેઓને ગાંધીનગર અને અમદાવાદની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ લોકડાઉનમાં મંજૂરી વગર જ ગાંધીનગર આવી બેદરકારી દાખવી હતી જ્યારે પોતાના ઘરે જિલ્લા બહારથી આવેલા સગા અંગે તંત્રને જાણ નહીં કરી નગીનભાઈ પટ્ટણીએ પણ બેદરકારી દાખવી હતી. જેને પગલે સેક્ટર-7 પોલીસે બંને વિરૂદ્ધ જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કોરોના દર્દી એવા અમૃતભાઈ સામે સારવાર બાદ જ્યારે નગીનભાઈ સામે કોરોન્ટાઈનનો સમયગાળો પૂર્ણ થયા બાદ પોલીસ વધુ કાર્યવાહી કરશે.