કોરોના મહામારીને અટકાવવા ગાંધીનગર જિલ્લાના તમામ ઘરને આવરી લેતા 7માં રાઉન્ડનો હાઉસ ટુ હાઉસ સરવે શરૂ કરાયો છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાં 29 સામાન્ય બિમાર વ્યક્તિ જોવા મળ્યા હતાં. ઉપરાંત જિલ્લાના હોટ સ્પોટ જાહેર કરેલા વિસ્તાર વેડા, મંડાલી, ચડાસણા, પેથાપુર અને ખોરજ ગામના મળી કુલ હોટ વિસ્તારમાં 5997 વ્યક્તિની તપાસ માટે 24 આરોગ્યની ટીમને કામે લગાડાઇ હતી. જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કુલ 18 કવોરન્ટાઇન ફેસીલીટીમાં 1115 બેડની વ્યવસ્થા કરાઈ છે. જેમાં પ્રેક્ષાભારતી ખાતે 9 અને હોટલ નટરાજમાં પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા 15 વ્યક્તિને કવોરન્ટાઇન હેઠળ રખાયા છે. ગાંધીનગર જિલ્લામાં 11 પેસેન્જર હોમ ક્વોરન્ટાઇન અને 1 પેસેન્જર ફેસીલીટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આજદિન સુધી 709 પેસેન્જર આવ્યા છે. જેમાંથી 515ને 14 દિવસ પૂર્ણ થતાં અને 182 અન્ય જિલ્લા અને રાજયના હોઇ રિફર કરવામાં આવ્યા છે, તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનુભાઇ સોંલકીએ જણાવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 29 સેમ્પલ લેવામાં આવ્યા હતો જે પૈકી 28 નેગેટીવ અને 1 પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. આ સહિત કુલ 3 પોઝિટીવ દર્દી છે.