કોરોના વાઇરસનો ફેલાવો હવે ગાંધીનગર શહેર અને જિલ્લામાં વધી રહ્યો છે. ગાંધીનગરમાં વધુ 7 કેસ સામે આવ્યા છે. શહેરી વિસ્તારમાં 5 કેસ અને વાવોલ તેમજ ઉવારસદમાં પ્રથમ કેસ નોંધાયો છે. કોરોનાના ચેપગ્રસ્ત લોકો જિલ્લામાં પ્રવેશી ગયા બાદ તંત્ર અને પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશ પર નાકાબંધી કરવામાં આવી છે.ગાંધીનગર શહેર કોરોનાવાઇરસ મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો. માત્ર એક જ પરિવારના લોકો જ સંક્રમણનો ભોગ બન્યા હતા જો કે અમદાવાદમાંથી ગાંધીનગરમાં આવેલા લોકોના કારણે ગાંધીનગરનો રેડ ઝોનમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. નવા નોંધાયેલા કેસમાં સેક્ટર 3 ન્યૂમાં રહેતા 40 વર્ષીય પુરુષ, સેક્ટર 24 શ્રીનગર સોસાયટીમાં પોઝિટિવ પુરુષના પરિવારમાં તેમના 45 વર્ષીય મહિલા અને 23 વર્ષીય યુવક, સેક્ટર 2Bમાં 70 વર્ષીય મહિલા અને 31 વર્ષીય યુવક, વાવોલમાં 26 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઉવારસદ ગામમાં 45 વર્ષીય પુરુષ કોરોના વાઇરસનો ભોગ બન્યા છે. જેને ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં કેસનો આંકડો 67એ પહોંચી ગયો છે.