ગાંધીનગર શહેર જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પાટનગરમાં સૌથી પહેલો કેસ 21 માર્ચે ઉમંગ પટેલનો નોંધાયો હતો ત્યારબાદથી અત્યાર સુધીમાં 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે 21 માર્ચથી 23 એપ્રિલ સુધી 34 દિવસમાં 38 પૈકી માત્ર 17 કેસ નોંધાયા હતા જ્યારે 24 એપ્રિલથી 29 એપ્રિલ સુધી 6 દિવસમાં શહેર – જિલ્લામાં નવા 21 કેસ નોંધાતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અત્યાર સુધીના કુલ કેસમાંથી 55.27 ટકા કેસ 6 દિવસમાં નોંધાયા છે. તેમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં 18 કેસ અને ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા છે. તેમાં ગાંધીનગર તાલુકામાં 12, માણસામાં 2, કલોલમાં 2 અને દહેગામમા 2 કેસ બન્યા છે. જ્યારે 2 કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. મંગળવારે નવા કેસ નોંધાયા તેમાં પાટનગરમાં 1 અને રાંધેજા, મેદરા તથા કલોલમાં 1-1 કેસનો સમાવેશ થાય છે.