ડે બાઇટર એડીસ ઇજીપ્તિ મચ્છરનો આતંક,પાટનગર ઉપરાંત ગાંધીનગર તાલુકાના ગામોમાં ડેન્ગ્યુના દર્દીઓનો ચિંતાજનક વધારોઃ હોસ્પિટલો ફુલ,
ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા દોઢ મહિનાથી ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. એડિસ ઇજીપ્તી મચ્છરના કરડવાથી થતો આ ડેન્ગ્યુ ગાંધીનગરમાં જીવલેણ સાબીત થઇ ગયો છે ત્યારે દિવસેને દિવસે અહીં કેસ વધી જ રહ્યા છે. ગાંધીનગર શહેર ઉપરાંત ગાંધીનગર તાલુકાના ગામોમાં ડેન્ગ્યુના દર્દીઓ ખુબ જ વધી રહ્યા છે. આ બેકાબુ બની રહેલા ડેન્ગ્યુની બિમારીને કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્ર એન્ટી લારવા કામગીરી કરી રહ્યું છે પરંતુ સ્ટાફને અભાવે તેમજ વસ્તી ગીચતાને કારણે ડેન્ગ્યુને કાબુમાં લેવો ખુબ જ મુશ્કેલ બન્યો છે.
ઓગસ્ટ માસના અંતથી ગાંધીનગરના ડેન્ગ્યુના દર્દીઓ પ્રકાશમાં આવવા લાગ્યા હતા શરૂઆતમાં એકલ દોકલ કેસ આવતા હતા ત્યારે સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના કેસ એકાએક વધી ગયા હતા એટલુ જ નહીં, ફક્ત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસમાં ૨૫૦થી વધુ ડેન્ગ્યુના પોઝિટિવ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે તો બીજીબાજુ સિવિલમાં જ એવા ઘણા દર્દીઓ હશે જેમના ડેન્ગ્યુના ટેસ્ટ કરવામાં નથી આવ્યા પરંતુ તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
નિષ્ણાંત અધિકારીને નિયુક્ત કરીને વધતા જતા ડેન્ગ્યુના કેસ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડોક્ટરોનું માનીયે તો દર વર્ષે અમદાવાદને કારણે સામાન્યરીતે ગાંધીનગરમાં કેસ વધતા હોય છે પરંતુ આ વખતે તો ગાંધીનગરમાં પહેલેથી જ દર્દીઓનો ધસારો રહ્યો છે જેના કારણે આ ડેન્ગ્યુનો રોગચાળો આગામી દિવસોમાં પણ જોવા મળશે.
ત્યારે આ જીવલેણ અને વાહકજન્ય ડેન્ગ્યુથી બચવા માટે ઘર કે કામના સ્થળ પાસે પાણી ભરાઇ ન રહે તેની કાળજી રાખવા ઉપરાંત દિવસ દરમિયાન આખી બાયના કપડાં પહેરવા તેમજ સતત મોસ્કિટો કોઇલ અથવા તો મચ્છર દુર કરતા ઉપરકરણોનો ઉપયોગ કરવો જોઇએ તેવી પણ ડોક્ટરોએ સલાહ આપી છે.