ગાંધીનગરમાં તસ્કરો નો તરખાટ……

0
100

ગાંધીનગરમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરો એક પછી એક ઘરફોડ ચોરીને અંજામ આપી ને તરખાટ મચાવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ પેથાપુરમાં એક સાથે ચાર સોસાયટીમાં ત્રાટક્યા પછી આલમપુર રોડ પરની ચાર દુકાનોના પણ તાળાં તોડયા હતા. ત્યારે ગઈકાલે રાતના શહેરના હાર્દસમા વિસ્તાર સેકટર – 17/22 રોડ પરના સ્વસ્તિક કોમ્પ્લેક્સ માં આવેલી આદર્શ મેડિકલ સ્ટોર્સના પણ તાળા તોડી અંદરથી પાંચ હજારથી વધુની રોકડની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલમાં આ મામલે સેકટર – 21 પોલીસે સ્થળ ઉપર પહોંચી જરૂરી તપાસનો દોર શરૂ કર્યો છે.ગાંધીનગરના હાર્દસમા એવા ઘ – 5 સર્કલ વિસ્તાર ચારે દિશામાંથી સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો હોવા છતાં તસ્કરોએ નજીકના સ્વસ્તિક કોમ્પલેક્ષમાં આદર્શ મેડિકલ સ્ટોર્સના તાળા તોડી પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.ગાંધીનગરમાં વાહન ચોરીની વણઝાર વચ્ચે ઘરફોડ ચોરીની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. આમ તો ગાંધીનગર શહેર સીસીટીવી કેમેરાનાં નેટવર્કથી ઘેરાયેલું છે છતાં ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરો બેફામ બની રહ્યા છે.ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ મથામણ કરી રહી છે. એવામાં ગઈકાલે મધરાતે શહેરના હાર્દસમા વિસ્તાર સેકટર – 17/22 રોડ પર આવેલ સ્વસ્તિક કોમ્પલેક્ષ સ્થિત આદર્શ મેડિકલ સ્ટોર્સના શટરના તાળા તોડી તસ્કર દુકાનમાં પ્રવેશ્યો હતો. બાદમાં બિન્દાસ રીતે મોબાઇલ ની લાઈટ ચાલુ કરીને દુકાનના કાઉન્ટરનું ડ્રોઅર ખોલીને અંદરથી પાંચ હજારથી વધુની રોકડ ચોરી હતી.