ગાંધીનગરમાં સ્પાના નામે દેહવિક્રયના ધમધમતા કારોબાર પર પોલીસના દરોડા

0
48

ગાંધીનગરને વિશ્વના નકશા પર મૂકનારું ઇન્ફોસિટી હવે અનૈતિક ધંધાઓના કારણે બદનામ થવા લાગ્યુ છે. ગાંધીનગર અને ન્યુ ગાંધીનગરમાં ફૂટી નીકળેલા જાતજાતના સ્પામાં રીતસરનો દેહવિક્રયનો કારોબાર ધમધમી રહ્યો છે. ગાંધીનગર જાણે હવે દેહવિક્રયના કારોબારનું કેન્દ્ર બન્યું છે.

આના લીધે ગાંધીનગરની પોલીસે હવે ઓવરટાઇમ કરવાના દહાડા આવ્યા છે. તાજેતરમાં રિલાયન્સ ચાર રસ્તા નજીક H સ્પા બ્લ્યુ અને સોફી યુનિક સ્પા પર પોલીસે રીતસરનો દરોડો પાડવો પડ્યો હતો. આ બંનેમાં સ્પાના નામે અનૈતિક ધંધાનો કારોબાર બેફામ ચાલતો હતો.

ગાંધીનગરના ડીવાયએસપી ડી ટી ગોહિલે આ અંગે બે મહિલા સહિત ત્રણની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આના પગલે પોલીસે બીજા સ્પામાં પણ સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. તાજેતરમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પણ સ્થાનિક પોલીસે આ બાબતને લઈ ઝડપી અને અસરકારક પગલા લેવા જણાવ્યું હતું.આના પગલે સક્રિય બનેલી ગાંધીનગર પોલીસે શહેરમાં કાર્યરત સ્પામાં તપાસ આદરી હતી. તેમા એચ સ્પા બ્લુ નામનું મસાજ સ્પા ચલાવતો માલિક સ્પાની આડમાં દેહવેપારનો ધમધમતો કારોબાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક મોકલીને તેની ખરાઈ કરી હતી. તેના પછી પોલીસ ત્રાટકી હતી અને બેની ધરપકડ કરી હતી.

આ જ રીતે ઇન્ફોસિટી પોલીસે સોફી યુનિક સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો હતો અને તેની માલિક કમ મેનેજરની ધરપકડ કરી હતી. અહીં પણ ડમી ગ્રાહક મોકલીને પોલીસે ખરાઈ કરી હતી અને પછી દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પાની આડમાં દેહવેપાર કરતા સામે કેસ નોંધીને જેલ ભેગા કર્યા છે.