ગાંધીનગરમાં 10 દિવસીય વસંતોત્સવનો ભવ્ય પ્રારંભ….

0
22

ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષનો વસંતોત્સવ 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલશે.
આ વર્ષે પહેલી વાર રશિયા, કિર્ગિસ્તાન અને બાંગ્લાદેશના કલાકારો તેમની વિશિષ્ટ લોકકલા રજૂ કરશે. પ્રથમ ચાર દિવસમાં ઓડિસ્સાનું ગોટી પુઆ, તમિલનાડુનું કાવડી અને કરગમ, મણીપુરનું પુંગ ચોલમ અને અસમનું બિહુ નૃત્ય રજૂ થશે.25-26 ફેબ્રુઆરીએ પંજાબનું ગિદ્દા, પશ્ચિમ બંગાળનું પુરલીયા છાઉ અને કેરળનું કલારીપયટ્ટન નૃત્ય સાથે વિદેશી કલાકારોની પ્રસ્તુતિ થશે. અંતિમ તબક્કામાં રાજસ્થાનનું ઘુમર અને કાલબેલિયા, કર્ણાટકનું ઢોલુ કુણીથા અને ઉત્તર પ્રદેશનું મયુર નૃત્ય રજૂ થશે.
દરરોજ ગુજરાતના કલાકારો પરંપરાગત લોકનૃત્ય રજૂ કરશે. રાજ્ય કક્ષાની નવરાત્રી સ્પર્ધાના વિજેતાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબા-રાસની પ્રસ્તુતિ કરશે. તુરી-બારોટ સમાજના કલાકારો લુપ્ત થતી લોકકલાઓ રજૂ કરશે.સંસ્કૃતિ કુંજમાં બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધી હસ્તકલા અને વિવિધ રાજ્યોની વિશિષ્ટ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પણ થશે.