ગાંધીનગરમાં 2 વર્ષમાં 977 કિલો ભેળસેળયુક્ત ઘી પકડાયું

0
43

સામાન્ય નફા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરતા વેપારીઓ સામે ગાંધીનગરમાં જોઇએ તેવી કાર્યવાહી થતી નથી. તેમછતાં તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં ચેકીંગ દરમિયાન ગાંધીનગરમાંથી 977 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આવા 23 જેટલા કિસ્સામાં સેમ્પલ લઇને ભેળસેળ કરવામાં સંડોવાયેલા 52 જેટલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, આ બે વર્ષ દરમિયાન પકડાયેલા એકપણ કિસ્સામાં હજુ દંડનીય પગલાં લેવાયા નથી.

ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઉપરાંત મહાનગરપાલિકાની ફૂડ શાખાની પણ જવાબદારી છે. મહાનગરપાલિકા પાસે મર્યાદિત સ્ટાફ અને સાધનો છે અને હવે માળખું તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઘણી જગ્યાઓ ચાર્જમાં ચાલે છે. જોકે, સમયાંતરે ખાદ્ય પદાર્થોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવે છે.

વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આપેલી માહિતી પ્રમાણે 1લી જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાંથી 977.6 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો પકડાયો હતો. આ સંદર્ભે કુલ 23 કેસમાં ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઘીમાં ભેળસેળ કરવાના કિસ્સામાં 52 લોકો સંડોવાયેલા હતા જેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પૈકી 18 કિસ્સામાં એડ્જ્યુડિકેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે. જ્યારે 3 કિસ્સામાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. બીજીતરફ એક કિસ્સામાં સેમ્પલ પૂન: ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે જેનો રીપોર્ટ આવવાનો બાકી છે. તે બાદ કાર્યવાહી કરવામાં આવશે.